ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વેતન મામલે મહિલાઓ સાથે અસમાન વ્યવહાર હોવાની ફરિયાદો ઘણી વખત ઊઠતી હોય છે. રિચા ચઢ્ઢાએ આ બાબતે વાસ્તવિક પરિસ્થિતિ રજૂ કરતાં જણાવ્યું હતું કે, નારી કેન્દ્રિત કન્ટેન્ટ બનતું રહે તે માટે પ્રોફિટ થવાનું જરૂરી છે. ફિલ્મના સેટ પર મહિલા અને પુરુષની સંખ્યા 50-50 ટકા થાય તો જ આ પરિસ્થિતિ બદલાઈ શકે છે.
રિચાએ જણાવ્યું હતું કે, ફિલ્મના સેટ પર 2012ના વર્ષમાં કેટલી મહિલાઓ હતી? 2022 અને 2024માં મહિલાઓની સંખ્યા કેટલી થઈ તે જોવું જોઈએ. આ ફેરફાર દૂર કરવા માટે ઘણાં ફેરફાર જરૂરી છે. પશ્ચિમી જગતમાં મહિલાઓ માટે ક્રીએટિવ રોલ રાખવામાં આવે છે. આ પાસાનો ભારતમાં પણ અમલ થવો જોઈએ.
એકતા કપૂરનું ઉદાહરણ આપતાં રિચાએ કહ્યું હતું કે, નારી કેન્દ્રિત કન્ટેન્ટ કમાણી કરતું થાય તે જરૂરી છે. નફો થશે ત્યારે બજારમાં તેની માગ ઊભી થશે. જો કે મહિલાની સાથે પુરુષોમાં પણ આ કન્ટેન્ટ લોકપ્રિય થાય તે જરૂરી હોય છે. બાર્બી ડોલ્સ સાથે છોકરીઓ જ રમતી હોય છે, પરંતુ બાર્બી ફિલ્મની સફળતા માટે તેને પુરુષો પણ જુએ તે જરૂરી હોય છે.
