Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગુજરાતમાં ત્રીજી વખત ભાજપને સત્તામાં આવતા રોકવા માટે રાહુલ ગાંધી પોતાની તમામ તાકાત લગાવી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ત્રીજી વખત ભાજપને સત્તામાં આવતા રોકવા માટે રાહુલ ગાંધી પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે. તેઓ પક્ષના નેતાઓને સતત ડરશો નહીં..લડવાનો મંત્ર આપી રહ્યા છે, પરંતુ દેશના અન્ય ભાગોની જેમ ભાજપના સૌથી મજબૂત ગઢમાં પણ દિગ્ગજો લડવા તૈયાર નથી. ગુજરાતમાં કોંગ્રેસમાં ફફટાટ વ્યાપ્યો હોય તેમ નેતાઓ પારોઠનાં પગલાં ભરી રહ્યાં છે.  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ત્રીજી વખત સત્તામાં આવતા રોકવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. તેઓ તેમના નેતાઓને ‘ડરશો નહીં લડો’ નો સંદેશ આપી રહ્યા છે. 18મી લોકસભા ચૂંટણીમાં પાર્ટીની બેઠકોની સંખ્યા વધારવા માટે કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ પણ કેરળથી ચૂંટણી લડી રહ્યા છે.

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સિવાય કોંગ્રેસના મોટા નેતાઓ ચૂંટણી લડવાથી પાછીપાની કરી રહ્યા છે. આવી જ સ્થિતિ ભાજપના સૌથી મજબૂત ગઢ ગુજરાતમાં પણ છે. અરે થોડી તો શરમ કરો જે ગુજરાતીઓ આજે પણ કોંગ્રેસ પર ભરોસો કરે છે એની સંખ્યા ઓછી પણ નથી. ભાજપનો વોટશેર ભલે વધ્યો પણ આજે પણ કોંગ્રેસની એક મજબૂત વોટબેન્ક છે. જે એવા નેતા ઈચ્છે છે કે તે કોંગ્રેસ માટે લડે પણ હાલમાં 20 વર્ષથી પદો પર ચિટકીને રહેલા નેતાઓને હવે લડવું નથી. ગુજરાત કોંગ્રેસમાં નવી પેઢી જ તૈયાર નથી થઈ તો હવે દારોમદાર કોંગ્રેસના ધારાસભ્યો પર છે. કોંગ્રેસ પર ભરોસો કરનાર વર્ગ આજે પણ ગુજરાતમાં છે પણ ગુજરાત કોંગ્રેસ પાસે એવો દમદાર નેતા નથી જે મોદી કે શાહનો વિકલ્પ બની શકે. જેને પગલે વોટ વેડફવાના ડરે ઘણા કોંગ્રેસી ભાજપને મત આપે છે.

ગુજરાતમાં કોંગ્રેસને આકરા પડકારનો સામનો કરવો પડે છે ત્યાં પણ પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવાનું ટાળી રહ્યા છે. આ યાદીમાં પહેલું નામ ભરતસિંહ સેલંકીનું છે અને ત્યારપછી બીજુ નામ પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું છે. બંને નેતાઓ ચૂંટણી લડવા માંગતા નથી. ગુજરાતમાં વિધાનસભા પક્ષના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પણ ચૂંટણી લડવામાં રસ નથી. પૂર્વ સીએમના પુત્ર તુષાર ચૌધરીની પણ આવી જ હાલત છે. જેને પગલે પક્ષને લોકસભા માટે ઉમેદવાર મળી રહ્યાં નથી. વર્ષોથી કોંગ્રેસમાં ચીટકીને બેઠેલા નેતાઓને ડર છે કે હારીશું તો પાર્ટીમાં હાલમાં રહેલો મોભો ઓછો થશે. નહીં લડીએ તો ખુલાસા કરવાનો તો મોકો મળશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને 182માંથી માત્ર 17 બેઠકો મળી હતી. ડિસેમ્બર 2022માં ચૂંટણી પરિણામો પછી પાર્ટીના ચાર ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે. આમાં સૌથી મોખરે નામ અર્જુન મોઢવાડિયાનું છે. પાર્ટી સામે બાકીના 13 ધારાસભ્યોને બચાવવાનો પડકાર છે ત્યારે ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઓછામાં ઓછી એક કે બે બેઠકો જીતવાનું દબાણ છે, પરંતુ આ પછી પણ કોંગ્રેસના અગ્રણી નેતાઓ ચૂંટણી લડવા માંગતા નથી. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીને કેટલીક સીટો પર ઉમેદવારો મળી રહ્યા નથી. આણંદ બેઠક પરથી કોણ ચૂંટણી લડશે? તેનો હજુ નિર્ણય લેવાયો નથી.

એક તરફ કેન્દ્રીય મંત્રી અને સાંસદ રહી ચુકેલા નેતાઓ પીછેહઠ કરી રહ્યા છે તો બીજી તરફ ગેનીબેન અને અનંત પટેલ જેવા નેતાઓ મોટી લડાઈ લડવા મેદાને પડ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસનું નબળું પ્રદર્શન આમ આદમી પાર્ટીના મતોમાં ઘટાડો થવાને કારણે હતું. આ કારણે પાર્ટીને ઘણી સીટો ગુમાવવી પડી અને તે ઘટીને 17 સીટો પર આવી ગઈ. લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન છે ત્યારે પણ કોંગ્રેસના નેતાઓ હિંમત કેમ નથી દાખવી શકતા? ચૂંટણી પહેલા જ કોંગ્રેસના નેતાઓ કેમ લડાઈ છોડી રહ્યા છે? આવી સ્થિતિમાં રાહુલ ગાંધી કોઈપણ ભોગે ભાજપને રોકવા મક્કમ છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ લોકસભાની ચૂંટણી લડી શકે છે.

સંગઠનના મહાસચિવ કેસી વેણુગોપાલે પોતે લડવાની હિંમત બતાવીને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ ગુજરાતમાં 24 બેઠકો પર ચૂંટણી લડશે. પાર્ટીએ આમાંથી સાત બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં બે ધારાસભ્યો અને એક પૂર્વ ધારાસભ્યને ટિકિટ આપવામાં આવી છે. બાકીના ચાર નવા નામ છે જેઓ પહેલીવાર લોકસભાની ચૂંટણી લડશે. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસના એકમાત્ર મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકરે પોતે સામેથી ટિકિટ માંગી હતી. આવી જ સ્થિતિ અનંત પટેલની છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે જ્યારે ધારાસભ્યો હિંમત બતાવી રહ્યા છે તો પછી મોટા નેતાઓ કેમ પીછેહઠ કરી રહ્યા છે? છેલ્લી બે ચૂંટણીમાં ભાજપે જે રીતે કોંગ્રેસને શૂન્ય સુધી પહોંચાડી હોવાથી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં ડરનું કારણ છે. તેમને ખાતરી નથી કે કોંગ્રેસ 26 બેઠકોમાંથી ઓછામાં ઓછી એક કે બે બેઠકો જીતી શકાશે કે કેમ?

 

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!