છેલ્લા કેટલાક સમયથી લગ્ન પ્રસંગોમાંથી ચોરી થવાના બનાવો વધ્યા હતા. જેને લઈને પોલીસ કમિશ્નર દ્વારા આ અંગેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે રાજકોટમાં બનેલી આવી ત્રણ ઘટનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના અન્ય રાજ્યોમાં થયેલી 41 જેટલી ચોરીની આરોપીઓ પાસે કબૂલાત કરાવી છે. તપાસ દરમિયાન MPનાં કડીયા ગામમાં આ પ્રકારની ચોરીની તાલીમ આપવા માટેની શાળા ચાલતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ગેંગને ઝડપી લેવા પોલીસે MPનાં વિવિધ ગામોમાં કેમ્પ કરી, વેશપલટો કરી આરોપીઓ અંગે માહિતી મેળવી હતી. અને ગેંગ રાજકોટ આવતી હોવાની જાણ થતાં માલિયાસણ ખાતે વોચ ગોઠવી આ ગેંગને દબોચી લીધી હતી.
હાલ પોલીસે આરોપીઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચનાં ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ક્રાઇમ બ્રાન્ચે લગ્ન પ્રસંગમાંથી કિંમતી ઘરેણાની ચોરીનાં નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કામના આરોપીઓ મધ્યપ્રદેશનાં કડીયા-સાસી ગામના રહેવાસી છે. આ ગામમાં એક આખી શાળા ચાલે છે. જે શાળામાં લોકોની નજર ચૂકવીને કઈ રીતે ચોરી કરી શકાય તેની તાલીમ આપવામાં આવે છે. ત્યાંની ગેંગ દેશના જુદા જુદા રાજ્યોમાં ફેલાયેલી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલી ગેંગે રાજકોટ શહેરમાં બે ગ્રામ્ય વિસ્તારમાં 1 તેમજ અમદાવાદ ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મળી 44 ચોરીને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે.
હાલ પોલીસે પાંચ મુખ્ય આરોપીઓ તેમજ એક બાળકિશોરી સહિત 6 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. અને સ્વીફ્ટ કાર અને સોના ચાંદીનાં ઘરેણાં સહિત કુલ રૂ. 21.44 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ ગેંગનો તેમના વિસ્તારમાં ખોફ હોવાથી સ્થાનિક પોલીસની ખાસ મદદ મળી નથી. આ છતાં ક્રાઇમ બ્રાન્ચે બે મહિનાથી સતત વોચ ગોઠવીને આ ગેંગને ઝડપી પાડી છે. આરોપીઓ ફોરવ્હીલ ગાડીમાં બાળકિશોર/કિશોરી સાથે તેના ગામથી નીકળી ભારતના અલગ અલગ રાજયોમાં પ્રવાસ કરતા હતા.
દરમ્યાન મોટા શહેરમાં પાર્ટી પ્લોટમાં લગ્નનું આયોજન થયેલ હોય તેવી જગ્યાએથી થોડે દુર ગાડી રાખી, આ ગાડીમાં બાળકિશોર/કિશોરી તથા તેની સાથે એક ગાઇડ તરીકે હોય જે બન્નેને લગ્નને અનુરૂપ કપડા પહેરાવી ગાડીમાંથી ઉતારી દેતા હતા. ત્યારબાદ જે બન્ને પાર્ટીપ્લોટમાં પ્રવેશ કરી લગ્નમાં સોના/ચાંદીના દાગીનાની બેગ ઉપર નજર રાખી આ બેગ માણસની નજર ચુકવી બાળકિશોર/કિશોરી ચોરી કરીને બહાર નીકળી જતા હતા. જો કોઈનું ધ્યાન પડી જાય તો તેની સાથે ગાઈડ તરીકે રહેલ વ્યક્તિ બાળકે ભૂલથી બેગ લીધી હોવાનું જણાવી બેગ પરત આપી દેતો હતો. અને જો નિકળી જવાય તો તમામ લોકો ગાડીમાં નાસી જઇ બનાવની જગ્યાથી 100-200 કી.મી. દુર જઇ અન્ય શહેરમાં ફરીથી બીજા ગુન્હાને અંજામ આપતા હતા. દરમિયાન રાતવાસો મોટાભાગે ગાડીમાં જ કરતા હતા.
