લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી ડો. વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા ચૂંટણી તંત્ર મતદાન જાગૃતિ અંગે અનેકવિધ કાર્યક્રમો તથા સ્વીપ એક્ટિવિટીનું આયોજન કરી રહ્યું છે. કલેક્ટરશ્રી ગર્ગના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની સંપૂર્ણ ટીમ મતદાન જનજાગૃતિ અભિયાન થકી લોકોને જાગૃત કરી રહી છે.
ત્યારે નિઝર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પરંપરાગત શેરી નાટકોના માધ્યમથી ગ્રામજનોને મતદાન અને પોતાના મતાધિકારના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ લોકશાહીના આ મહાપર્વમાં ગ્રામજનો ઉત્સાહભેર ભાગીદારી નોંધાવે તે માટે પણ સૌને અનુરોધ કરવામાં આવ્યો હતો. ગ્રામજનો પણ લોકશાહીના આ મહાપર્વમાં પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓ દ્વારા ગ્રામજનોને ઇવીએમ-વીવીપેટ અંગે માર્ગદર્શન પુરુ પાડવા સહિત C-Vigil તેમજ Saksham એપ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
