ગાંધીનગરનાં કલોલ પંથકમાં ધૂળેટીનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. કલોલ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબવાના અલગ અલગ બનાવમાં ચાર વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે પાંચ લાપતા છે. કલોલ તાલુકાના રણછોડપુરા પાસે આવેલી કેનાલમાં એક જ પરિવારના પાંચ વ્યક્તિઓ નાહવા પડતા ડૂબી ગયા હતા. પિયજ કેનાલમાં રામનગરનો યુવક ડૂબતા તેનું મોત થયું હતું. ત્રીજા બનાવમાં કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં રહેતો યુવક કડીની વણસોલ કેનાલમાં ડૂબી જતા મોતને ભેટયો હતો. જ્યારે સાંતેજ વડસર રોડ પર કેનાલમાં નાહવા પડેલ યુવક ડૂબી ગયો હતો. રામનગર અને પૂર્વ વિસ્તારના યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે કલોલ લાવવામાં આવી હતી.
કલોલ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ડેથસ્પોટ બની છે. આ કેનાલમાં વર્ષે દહાડે સેંકડો લોકો ડૂબી જતા મોતને ભેટતા હોય છે. ધૂળેટીના દિવસે કેનાલમાં નવ જેટલા લોકો ડૂબી જતા ગમગીની ફેલાઈ છે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ હરીઓમ નગરમાં રહેતા એક પરિવારના પાંચ સભ્યો રણછોડપુરા પાસેથી પસાર થતી નર્મદાની ધોળકા સબ કેનાલમાં ડૂબી ગયા હતા. ધનરાજસિંહ નામનો યુવક નાહવા વખતે ડૂબવા લાગ્યો હતો જેને પગલે અન્ય ચાર લોકો પણ તેને બચાવવા અંદર પડતા પાંચેય લોકો પાણીના ગરકાવ થઇ ગયા હતા.
જેમાં ધનરાજસિંહનું મૃત્યુ થયું હતું જ્યારે બાકીના લોકોની શોધખોળ ચાલુ છે. કલોલ પાસે આવેલા રામનગર ગામનો યુવાન અશોકભાઈ સેનમા પિયજ ગામની કેનાલમાં ડૂબી જતા મોતને ભેટયો હતો. યુવાનની લાશ બહાર કાઢી કલોલ સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લાવી હતી. ડૂબવાના ત્રીજા બનાવમાં કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં રહેતો તરુણ ચૌહાણ મિત્રો સાથે કેનાલમાં નહાવા ગયો હતો.
આ યુવક કડી પાસે કેનાલમાં ડૂબી ગયો હતો. આ યુવકની લાશનું પોસ્ટ મોર્ટમ કલોલ સિવિલ ખાતે કરાયું હતું. ઘટનાને પગલે કલોલ સિવિલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. સાંતેજ વડસર રોડ પર આવેલ હાઈટેક કંપનીની પાછળ રહેતો સત્તાર મીર ધોળકા સબ કેનાલમાં નહાવા પડયો હતો. નહાતી દરમિયાન અચાનક યુવાન તણાઈ ગયો હતો. જેને પગલે તંત્ર દ્વારા તેને શોધવાના પ્રયત્નો હાથ ધરાયા છે. કલોલ પંથકમાં એક સાથે નર્મદા કેનાલમાં નવ લોકો ડૂબતા શોધખોળ હાથ ધરવામાં આવી ત્યારે એક બિનવારસી લાશ પણ મળી આવી હતી. ડૂબવાના પાંચ જેટલા અલગ અલગ બનાવમાં ચાર વ્યક્તિઓની લાશ મળી આવી હતી જ્યારે લાપતા વ્યક્તિઓની શોધખોળ ચાલુ હતી.
