સુરતનાં કતારગામ વિસ્તારમાં પાલિકાના એક ડમ્પરની અડફેટમાં મહિલાનું મોત થયા બાદ પબ્લિક દ્વારા ડ્રાઈવરને માર મારવામા આવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં પાલિકાના તમામ 9 યુનિયન દ્વારા પાલિકાના ગાયત્રી વાહન ડેપો પર ચક્કાજામ કર્યો હતો. આ વાહન ડેપો પરથી લોક સેવા વિભાગ તથા ડ્રેનેજ વિભાગ વાહન બહાર નીકળવા દીધા ન હતા. યુનિયનો દ્વારા હલ્લાબોલ બાદ યુનિયનના હોદ્દેદારો દ્વારા પાલિકા કમિશનરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરતના કતારગામ કિરણ હોસ્પિટલ ખાતે અકસ્માત થયો હતો જેમાં પાલિકાના ડમ્પરની અડફેટમાં એક મહિલાનું મોત થયું હતું.
આ અકસ્માત બાદ ભેગા થયેલા લોકોએ પાલિકાના ડ્રાઈવરને માર માર્યો હતો આ અંગે પોલીસ આવ્યા હતા છતાં પણ પોલીસની હાજરીમાં ડ્રાઈવરને માર મારી ઈજા થતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પાલિકાના વિવિધ યુનિયનો દ્વારા આ ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી. પાલિકાના 9 યુનિયન દ્વારા કતારગામ ઝોનના ગાયત્રી વાહન ડેપો ખાતે પહોંચ્યા હતા. સવારે 9 વાગ્યાથી કતારગામ વાહન ડેપો ખાતે ભેગા થયેલા યુનિયનોએ વાહન ડેપોમાંથી ડ્રેનેજ વિભાગ અને લોકસેવા વિભાગના એક પણ વાહનોને બહાર નિકળવા દીધા ન હતા.
યુનિયનોના નેતાઓએ કહ્યું હતું અકસ્માત થયો હતો જે મહિલાનું મોત થયું તેના માટે સહાનુભુતિ છે પરંતુ સમગ્ર કિસ્સાની તપાસ થવી જોઈએ. જોકે, મહિલા દિવ્યાંગ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે તે તે મોપેડ કઈ રીતે ચલાવે તે પણ તપાસનો વિષય છે. આ ઉપરાં ડ્રાઈવરનો વાંક છે કે નહીં તે તપાસ પોલીસે કરવાની હોય છે પરંતુ લોકોએ ડ્રાઈવરને ઢોર માર માર્યો છે તેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. યુનિયનો દ્વારા એવી માગણી કરવામાં આવી હતી કે, ડ્રાઈવરને જે લોકોએ માર માર્યો હતો તે તમામ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા સાથે ડ્રાઈવરને રક્ષણ આપવાની કામગીરી પાલિકા કરે તેવી માંગણી કરવામાં આવી છે.
