સુરતના માંડવી તાલુકાનાં પીપલવાડા ગામ નજીક ફેદરીયા ચાર રસ્તાથી ઉકાઈ તરફ જતા રોડ પર શનિવારે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જયારે પુરઝડપે આવતી મારૂતિ વાને બાઈકને ટક્કર મારતા એક યુવકનું મોત થયું હતું, જયારે ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે વાહન ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.
આ અકસ્માતમાં બાઈક ચાલક અલ્પેશભાઈ ગોવિંદભાઈ ચૌધરી (ઉ.વ.આશરે ૨૫., રહે.ગાંગપુર-હર્ષદ, લાંબાપાટ ફળિયું, તા.માંડવી)નું ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે કાર ચાલક બિપીનભાઈ જલમસિંગભાઈ વસાવા, કારમાં સવાર અરવિંદભાઈ ફરમજીભાઈ વસાવા અને જીતુભાઈ દેવીલાલ વસાવાને પણ માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.




