જામનગર શહેરની કામદાર કોલોનીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારીને શેરબજારમાં ઓછા રોકાણે વધુ વળતરની લાલચ આપી રૂપિયા ૬૦ લાખની છેતરપિંડી કરાતા ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગત એવી છે કે, જામનગર શહેરના કામદાર કોલોની વિસ્તારમાં રહેતા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતાં પ્રતાપસિંઘ રામેશ્વરસિંઘ તોમરને ગત તારીખ ૩૦.૪.૨૦૨૪નાં રોજ અજાણ્યા નંબરથી વ્હોટસેપ મેસેજ આવેલો, અને વાતચીત કરતાં તેણે શેરખાન મેકસ ટ્રેડીંગ કંપનીમાં મરાક્ટ કરતા ઓછા ભાવે શેર તેમજ આઈ.પી.ઓ. ઓછા ભાવે આપવાનું જણાવતાં પ્રતાપસિંગે તેમની શેરખાન મેકસ ટ્રેડીંગ કંપનીમાં રોકાણ કરવાની ઈચ્છા દર્શાવતાં તેમણે શેરખાન મેકસ મોબાઈલ એપ ઈન્સ્ટોલ લીંક મોકલી ઈન્સ્ટોલ કરી હતી.
ત્યારબાદ તેમણે આપેલ ખાતામાં તારીખ ૩૦/૪ના રોજ રૂપિયા ૭,૫૦૦ અને રૂપિયા ૨૫ હજાર જમાં કરાવ્યા બાદ મોબાઈલ એપમાં તેણે કરેલ રોકાણ અને શેરીની વિગત જોવા મળતાં લાલચમાં આવી એક જ મહિનામાં અલગ અલગ ખાતાઓમાં રૂપિયા ૬૦ લાખ ૩૬ હજાર જમા કરાવેલા હતા અને ત્યારબાદ ગત તારીખ ૩૧/૫/૨૦૨૪ના રોજ તેમને રૂપિયાની જરૂરિયાત પડતાં રોકતાણ કરેલ વિથડ્રો કરતાં આ રકમ વિથડ્રો ન થતાં તેમણે આ ઠગબાજો સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓએ ૨૦ ટકા પ્રોસેસિંગ ફી પેટે રકમ જમા કરાવવાનું કહેતા પ્રતાપસિંઘને શંકા જતાં આ બાબતે તેમના પુત્ર સાથે વાતચીત કરી તપાસ કરતાં કોઈ અજાણી વ્યક્તિએ તેમની સાથે ઠગાઈ કરી હોવાનું જણાતાં તેઓએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.




