ઉચ્છલનાં થુંટી ગામનાં જળાશય કિનારે ફરવા આવેલ સુરતના પરિવારની એક મહિલા નદીનાં સ્નાન કર્યા બાદ પતિએ કરેલી સાદડીની આડશમાં કપડાં બદલતી હતી તે દરમિયાન કેટલાંક અજાણ્યા ઇસમો ફોટો-વિડીયો કરતા હોવાની શંકા ગઈ હતી. જે અંગે તકરારમાં બે જુથો વચ્ચે મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે, ૧૫થી વધુ અજાણ્યા ઇસમો સામે પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. બનાવની વિગત એવી છે કે, સુરતના વરિયાવ ગામના પ્રતાપસીંહ ચૌહાણ તથા તેમના ફળિયાના અન્ય પરિવારો તારીખ ૧૮ના રોજ ઉચ્છલનાં થુંટી ગામે તાપી નદી કિનારે ઉકાઈ જળાશય કિનારે ફરવા તેમજ નદીમાં સ્નાન કરવા માટે આવ્યા હતા. 
તે દરમિયાન હિરેનભાઈ ચૌહાણની પત્નીએ નદીમાં સ્નાન કરી લીધા બાદ તેણી કપડાં બદલવાના હતા જેથી હીરેનભાઈએ સાદડીની આડશ કરી હતી. પરંતુ તે વખતે પાંચેક અજાણ્યા ઇસમો ફુગારાના ટેકરા ઉપરથી ફોટો-વિડીયો કરતા હોવાની શંકાના આધારે હિરેનભાઈ તથા તેમની પત્નીએ અજાણ્યાઓને ફોટો-વિડીયોગ્રાફી કરવા ના પાડી હતી.જેથી અજાણ્યા ઇસમોએ હિરેનભાઈ સાથે મારામારી કરી હતી.
તે દરમિયાન અન્યો પણ સમજાવટ કરવા જતા તે દરમિયાન પ્રતાપસિંહ ચૌહાણને પણ એક ઈસમે લાફો મારી દીધો હતો. અંતે બે પક્ષો વચ્ચે સમજાવટ સાથે છુટા પડયા હતા. સુરતના પરિવારો ઘરે નીકળવાની તૈયારી કરતા હતા તે દરમિયાન આશરે ૧૫ જેટલા અજાણ્યા ઇસમોએ આવી એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી હથોડા આકારના લાકડા તેમજ લાકડાના ડંડા લઈને ફરીથી મારામારી શરૂ કરી હતી. જેમાં સુરતના વરિયાવ ગામના રહીશ પ્રતાપસિંહ ચૌહાણ, ઉદય પ્રતાપસિંહ, યોગેશભાઈ ચૌહાણ, સાક્ષીબેન ચૌહાણ. હિરેનભાઈ વિગેરેને ફ્રેકચર સહિતની ઈજા શરીરના જુદાજુદા ભાગોમાં થઈ હતી. અજાણ્યા ૧૫ જેટલા ઈસમો સામે પ્રતાપસિંહ ચૌહાણે ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.




