જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીની અધ્યક્ષતામાં ‘નારી વંદન સપ્તાહ’ ઉજવણી અંતર્ગત કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓને સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન બનાવવા તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. જેના ભાગરૂપે સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિભાગ દ્વારા તા. ૦૧ થી તા.૦૮ ઓગષ્ટ દરમિયાન “નારી વંદન સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવશે.
તા.૧ ઓગસ્ટે મહિલા દિવસ, ૨જીએ બેટી બચાવો બેટી પઢાઓ દિવસ, ૩જીએ મહિલા સ્વાવલંબન દિવસ, ૫મીએ મહિલા નેતૃત્વ દિવસ, ૬ઠ્ઠીએ મહિલા કર્મયોગી દિવસ, ૭મીએ મહિલા કલ્યાણ દિવસ અને ૮મીએ મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. કલેકટરશ્રીએ નારી વંદન સપ્તાહની ઉજવણીના આયોજન અંગે સબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. આ રાજ્યવ્યાપી કાર્યક્રમમાં પોલીસ, શિક્ષણ, આરોગ્ય વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, શ્રમ અને રોજગાર વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગ, આઈ.સી.ડી.એસ. સહિતના વિભાગો સહભાગી થશે.




