ડાંગ જિલ્લાનાં વઘઈ તરફથી છાણીયા ખાતરનો જથ્થો ભરી નાસિક તરફ જઈ રહેલી ટ્રક વઘઈથી સાપુતારાને જોડતા આંતરરાજય ધોરીમાર્ગનાં સાકરપાતળ ગામ નજીકનાં કુંડા ફાટક પાસેથી પસાર થતી હતી. ત્યારે અચાનક ટાયર ફાટતા સામેથી આવી રહેલી મહિન્દ્રા પીકઅપે અડફેટમાં લઈ ધડાકેભેર ભટકાઈ હતી. તેની પાછળ અન્ય પીકઅપ ગાડી તથા મહિન્દ્રા જીપ પણ આવતી હતી. જેથી એક જ સ્થળે ચાર વાહનો એકબીજા સાથે ભટકાયા હતા. નવી નકોર મહિન્દ્રા પિકઅપ ગાડીને જંગી નુકસાન થયુ હતું. 
બનાવમાં નવી નકોર મહિન્દ્રા પીકઅપ ગાડીનાં ચાલકને શરીરનાં ભાગે ગંભીર ઈજો પોહચતા તેને તાત્કાલીક સારવારનાં અર્થે નજીકની સાકરપાતળ પીઈએચઇસી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
જયારે અન્ય ત્રણ વાહનોનાં ચાલક સહિત પેસેન્જરોનો ચમત્કારિક બચાવ થયો હતો. જયારે બીજા બનાવમાં મહારાષ્ટ્રના પુણે તરફથી ડિઝાઇન પેપરના જથ્થાનો માલસામાન ભરી રાજકોટ તરફ જઈ રહેલો આઈસર ટેમ્પો સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના સાપુતારા માલેગામ ઘાટમાર્ગમાં જઈ રહયો હતો ત્યારે ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા સ્થળ પર આઈસર ટેમ્પો માર્ગની સાઈડમાં પલ્ટી મારી ગયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ચાલક અને ક્લીનરને નજીવી ઈજા પહોંચી હતી. બંને અકસ્માતમાં બનાવ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



