અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બિજ પરથી સવારના સમયે યુવાને નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. યુવાને નદીમાં ભૂસકો લગાવતા જ અંદર માછીમારી કરી રહેલા માછીમારોએ આ દ્રશ્ય જોયા હતા. જેના પગલે તેઓએ તરત જ દોડી જઈ યુવાનનો જીવ બચાવ્યો હતો. 
આ અંગેની જાણ કરવામાં આવતા જ એમ્બ્યુલન્સ અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફ્લો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ભરૂચના કુકરવાડા વિસ્તારમાં રહેતા પતિ પત્નીના ઝઘડામાં પતિએ પત્નીની નજર સામે જ નર્મદા મૈયા બ્રિજમાં ઝંપલાવ્યું હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. આ તરફ નદીમાં આપઘાતના વધતા બનાવો રોકવા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે. આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે આ અંગે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા જાળી લગાવવા માટેની કામગીરી કરવામાં નથી આવતી ત્યારે આવનારા દિવસોમાં વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમો કરવામાં આવશે.



