પેટ્રોલ-ડીઝલ બાદ હવે સરકારે એલપીજી ગેસના ભાવોમાં પણ વધારો કર્યો છે. એલપીજી ગેસના ભાવ રૂ. 50 સુધી વધારવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે. સબસિડી વાળા અને સબસિડી વગરના તમામ એલપીજી ગેસ સિલિન્ડર પર નવા ભાવો આવતીકાલે 8 એપ્રિલ, 2025થી લાગુ થશે. સામાન્ય ગ્રાહકો માટે એલપીજી સિલિન્ડરના ભાવ હવે રૂ. 803થી વધી રૂ. 853 થશે. 
અમદાવાદમાં એલપીજી ગેસનો ભાવ હાલ રૂ.800 પ્રતિ 14.2 કિગ્રા છે. જો નવો ભાવ વધારો લાગુ થાય તો આવતીકાલથી ગૃહણીઓને ગેસ સિલિન્ડર માટે રૂ.850 ચૂકવવા પડશે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસના કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, અમે આ પગલાંની દર બેથી ત્રણ સપ્તાહમાં સમીક્ષા કરીશું. વધુમાં પેટ્રોલ-ડિઝલ પર પણ એક્સાઈઝ ડ્યૂટી લીટરદીઠ રૂ.2 વધારવામાં આવી છે. એક્સાઈઝમાં વૃદ્ધિ પાછળનો ઉદ્દેશ ઓઈલ માર્કેટિંગ કંપનીઓે રૂ.43000 કરોડનું વળતર આપવાનો છે. OMCને ગેસ સેગમેન્ટમાં થયેલા નુકસાનની ભરપાઈ માટે છે.



