ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ધમધમાટ છે, ત્યારે આગામી ૨૬મીએ થનારા મતદાન માટે ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલના રોજ જાહેર રજા હોવા છતાં કચેરીઓ ખુલ્લી રાખવાનો અને ઉમેદવારી સ્વીકારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા આગામી ૨૬ એપ્રિલ ૨૦૨૬ ના રોજ યોજાનારી રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૫૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેમજ નગરપાલિકાની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આયોગ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ ૨૦૨૬ છે.
નોંધનીય છે કે આ દિવસે બીજો શનિવાર હોવાથી સામાન્ય રીતે સરકારી કચેરીઓમાં રજા હોય છે, પરંતુ ચૂંટણીની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી આયોગે સ્પષ્ટતા કરી છે કે આ દિવસે પણ ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની કચેરીઓ કાર્યરત રહેશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા ઈચ્છતા તમામ ઉમેદવારો રજાના દિવસે પણ પોતાના ફોર્મ ભરી શકશે તેમ ચૂંટણી આયોગે જણાવ્યું હતું.




