ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડાના ધામળેજ ગામે દરિયા કિનારેથી રૂપિયા પ.૩૦ કરોડની કિંમતનો ચરસનો બીનવારસી જથ્થો મળી આવ્યો હતો. એસ.ઓ.જી.એ સૂત્રાપાડા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરાવી તપાસ શરૂ કરી હતી. સૂત્રાપાડાના ધામળેજ ગામે સ્મશાન પાસે હુંડવીયા પીરની દરગાહ જવાના રસ્તે દરિયા કિનારે બિનવારસુ હાલતમાં કેટલાક પેકેટ પડયા હોવાની માહિતી મળતાં એસ.ઓ.જી.ના પીઆઈ જે.એન. ગઢવી અને પી.એસ.આઈ. પી.જે.બાટવા સ્ટાફના માણસો સાથે સ્થળ પર દોડી ગયા હતા.
તપાસ કરતા નવેક પેકેટ મળી આવ્યા હતા. જેનું એફએસએલ અધિકારી પાસે પરિક્ષણ કરાવતાં ચરસ હોવાનો અભિપ્રાય આપ્યો હતો. કુલ ૧૦.૬૦૦ કિલોગ્રામ ચરસનો જથ્થો હતો. એસ.ઓ.જી.એ તેની આંતરરાષ્ટ્રિય બજાર કિંમત રૂપિયા પ.૩૦ કરોડ આંકી હતી. એસ.ઓ.જી.ના સૂત્રોએ જણાવ્યું કે, ચરસનો આ જથ્થો દરિયામાંથી તરીને કિનારે પહોંચ્યો હતો. ચરસ ઉપર અફઘાનિસ્તાનનું પેકીંગ છે. આ ચરસ બંધાણીઓમાં ઉચ્ચ ગુણવત્તાનું ગણાય છે. આ ચરસનો જથ્થો ખરેખર દરિયામાં કઈ રીતે પહોંચ્યો, કઈ રીતે કિનારે આવ્યો તે સહિતના મુદ્દે તપાસ જારી રાખવામાં આવી છે.




