ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે, બીસીસીઆઈના સચિવ જય શાહે બેંગ્લુરુના એમ ચિન્ના સ્વામી સ્ટેડિયમમાં પિચ ક્યુરેટરની જવાબદારી સંભાળનાર જસિંતા કલ્યાણના વખાણ કર્યા છે. જસિંતા કલ્યાણ દેશની પહેલી મહિલા પિચ ક્યુરેટર બની છે. તેમને વુમેન્સ પ્રીમિયર લીગમાં પિચ તૈયાર કરવાની જવાબદારી મળી હતી. દેશમાં પહેલી વખત કોઈ મહિલાએ પિચ ક્યુરેટરની ભૂમિકા નિભાવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, એક સમયે જસિંતા રિસેપ્શનિસ્ટ હતી.
બીસીસીઆઈ સચિવ જય શાહે પોસ્ટ કરતા લખ્યું કે, ભારતીય ક્રિકેટે એક ઐતિહાસિક પ્રગતિ હાંસિલ કરી છે. જસિંતા કલ્યાણ આપણા દેશની પહેલી મહિલા ક્રિકેટ પિચ ક્યુરેટર બની ગઈ છે. બેંગ્લુરુમાં વિમેન્સ પ્રીમિયર લીગની શરુઆતમાં પિચ તૈયારી કરવાની કમાન સંભાળનારી જસિંતાની આ ઉપલબ્ધિ તેની પ્રતિબધ્ધતા અને તાકાત તેમજ હિંમતનું ફળ છે.
જય શાહે આગળ લખ્યું વુમેન્સ પ્રીમિયર લીગ માટે એક પિચની દેખરેખમાં તેની ભૂમિકા રમતનું એક અનોખું ઉદાહરણ છે. BCCI સેક્રેટરી જય શાહે પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મહિલા પિચ ક્યુરેટર જેસિતા કલ્યાણની પ્રશંસા કરી છે. તેણે લખ્યું છે કે પીચ ક્યુરેટરની ભૂમિકામાં જેસિતા કલ્યાણનું આગમન ભારતમાં ક્રિકેટનું વિકસતું દૃશ્ય દર્શાવે છે.
તમને જણાવી દઈએ કે, જસિંતા કલ્યાણે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનની સાથે એક રિસેપ્શનિસ્ટ તરીકે કામ શરુ કર્યું હતુ. તે સમયે તેની ઉંમર માત્ર 19 વર્ષની હતી. ત્યારબાદ તે કેએસસીએ માટે કામ કરવા લાગી. તેને સેલ્સ ટીમમાં રાખવામાં આવી હતી. જ્યારે તે ખુબ લાંબા સમયથી પિચ ક્યુરેટર્સની ટીમનો ભાગ હતી. હવે તેને મુખ્ય પિચ ક્યુરેટર તરીકે કામ કરવાની તક મળી છે. ડબ્લુપીએલના મેચમાં તેની પિચ રોમાંચક રહી હતી.
