મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના ટીચકપુરા ગામની સીમમાંથી પસાર થતો વ્યારાથી બારડોલી જતાં નેશનલ હાઈવે રોડ ઉપર ટ્રક અડફેટે આવતાં બાઈક સવાર માતા-પુત્રને અકસ્માત નડ્યો હતો અને આ અકસ્માતમાં મહિલાનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારાના પનીયારી ગામનાં સડક ફળિયામાં રહેતા સંગીતાબેન જીતેન્દ્રભાઈ ગામીત (ઉ.વ.40)નાઓ ગત તારીખ 31/08/2024ના રોજ મોડી સાંજે તેમના 15 વર્ષના પુત્ર જૈનીલ સાથે બાઈક નંબર GJ/26/AD/1864 પર સવાર થઈ ટીચકપુરા ગામે લોનના પૈસા ભરવા માટે નીકળેલ હતા.
તે સમયે ટીચકપુરા ગામની સીમમાંથી પસાર થતો વ્યારાથી બારડોલી જતાં નેશનલ હાઈવે રોડ ઉપર એક ટાટા ટ્રક નંબર GJ/26/T/9004ના ચાલકે પોતાના કબ્જાની ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી પાછળથી બાઈકને ટક્કર મારી બાઈક સવાર માતા-પુત્ર અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અને આ ગંભીર અકસ્માતમાં સંગીતાબેનનું ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું તેમજ તેમનો પુત્ર જૈનીલને શરીરે નાની-મોતી ઈજા પહોંચી હતી જયારે આ અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનું ટ્રક ઘટના સ્થળ ઉપર મૂકી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે સાહિલભાઈ જીતેન્દ્રભાઈ ગામીત નાએ અજાણ્યા ટ્રક ચાલક સામે વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




