સુરત ગ્રામ્ય પોલીસના SOG એ માંગરોળ તાલુકાના નવાપરા ગામેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી માત્ર ધોરણ-૧૨ પાસ છે અને અગાઉ કમ્પાઉન્ડર તરીકે કામ કરેલા અનુભવના આધારે ક્લિનિક ચલાવતો હતો.
સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના મુજબ એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે નવાપરા પાયલ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલ ઘનસુખકાકાની રૂમમાં દરોડો પાડ્યો હતો. અહીં મેડિકલ ડિગ્રી કે રજીસ્ટ્રેશન વગર પ્રેક્ટિસ કરતા સંજયભાઈ સુભાષભાઈ મુર્ખજી (ઉ.વ.૪૩) ને તબીબી સાધનો અને દવાઓ સાથે પકડી પાડવામાં આવ્યો હતો.
પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે મૂળ પશ્ચિમ બંગાળનો વતની છે અને માત્ર ધોરણ-૧૨ સુધી ભણ્યો છે. તેણે વતન નદીયા ખાતે આવેલી મનોરમા હોસ્પિટલમાં ૬ વર્ષ સુધી કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી હતી. આ અનુભવના જોરે તે અહીં ક્લિનિક ખોલી લોકોની સારવાર કરતો હતો. પોલીસે સ્થળ પરથી આશરે રૂ.૪૪૩૨.૮૦/- ની કિંમતની મેડિકલ સાધન સામગ્રી અને દવાઓ જપ્ત કરી છે. આરોપી વિરુદ્ધ પાલોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




