ટીવી ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા ઋતુરાજ સિંહનું 59 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. ઋતુરાજને મુંબઈના લોખંડવાલામાં આવેલા તેના ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. તેના આકસ્મિક નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ઋતુરાજના સારા મિત્ર અમિત બહલે તેના નિધનની પુષ્ટિ કરી અને તેના પર શોક વ્યક્ત કરતા કહ્યું, ‘હા, તેનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું.
તેને સારવાર માટે થોડા સમય પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ઘરે પરત ફર્યા બાદ તેને કેટલીક હ્રદય સંબંધી તકલીફો થઈ હતી અને તેનું નિધન થયું હતું’ બોલિવૂડ અભિનેતા અરશદ વારસીએ પણ ઋતુરાજને ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી. અરશદે સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, ‘ઋતુરાજનું નિધન થયું એ જાણીને મને ખૂબ જ દુઃખ થયું. અમે એક જ બિલ્ડીંગમાં રહેતા હતા, તે પ્રોડ્યુસર તરીકે મારી પ્રથમ ફિલ્મનો હિસ્સો હતો.
એક મિત્ર અને એક મહાન અભિનેતા ગુમાવી દીધો…તારી યાદ આવશે ભાઈ…’ રિયાલિટી ગેમ શો ‘તોલ મોલ કે બોલ’ને હોસ્ટ કરીને પોતાની અલગ ઓળખ બનાવનાર ઋતુરાજ સિંહે ઘણી ટીવી સીરિયલ્સ, ફિલ્મો અને OTT શોમાં પણ કામ કર્યું હતું. તેનો ટીવી શો ‘બનેગી અપની બાત’ પણ ખૂબ લોકપ્રિય બન્યો હતો. તેણે ‘હિટલર દીદી’, ‘જ્યોતિ’, ‘શપથ’, ‘અદાલત’, ‘આહટ’, ‘દિયા ઔર બાતી’, વોરિયર હાઈ’, ‘લાડો 2’ જેવી સિરિયલોમાં પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. ઋતુરાજ હાલમાં ટીવીના સૌથી લોકપ્રિય શો અનુપમામાં જોવા મળ્યો હતો.




