વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે રહેતા એડિશનલ સેશન્સ જજ એમ.એ. મિરઝાના ભાડાના મકાનમાં અજાણ્યા શખ્સ દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે કોર્ટના રજીસ્ટ્રાર હૈંમતભાઇ નટુભાઇ પટેલે ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, એડિશનલ સેશન્સ જજ સાહેબ ગત તા.28/03/2026 થી રજા પર હોવાથી તેમનું મકાન બંધ હતું. 1લી એપ્રિલના રોજ સવારે જ્યારે કોર્ટના પટાવાળા જજ સાહેબનો કોટ લેવા માટે બંગલે ગયા, ત્યારે તેમણે જોયું કે પાછળના દરવાજાની લોખંડની ગ્રીલ ખુલ્લી હતી અને અંદરના રૂમમાં સામાન વેરવિખેર પડેલો હતો. બનાવની જાણ થતા રજીસ્ટ્રાર અને અન્ય કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કોઈ અજાણ્યા શખ્સે ગ્રીલ તોડી અંદર પ્રવેશી ચોરીનો પ્રયાસ કર્યો હતો, જોકે કોઈ ચીજવસ્તુની ચોરી થઈ નહોતી. ધરમપુર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



