સાધુ વાસવાણી રોડ પરના કૈલાશ પાર્ક શેરી નં.13માં રહેતી પાયલબેન નામની 24 વર્ષની પરીણીતાએ ગુનામાં વોન્ટેડ તેનો પતિ ઉમંગ ગોવિંદ ભુત (રહે.આકાશવાણી ચોક, શિવશક્તિ કોલોની) તેના ચારિત્ર્ય પર શંકા કરી, ત્રાસ આપી, મારકૂટ કરતો હોવાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પાયલે જણાવ્યું છે કે, તે તેની માતા સાથે છેલ્લા 6 મહિનાથી રહે છે. પિતા હયાત નથી.
ત્રણેક વર્ષ પહેલાં તેની મિત્ર નિરાલીના મિત્રના મિત્ર ઉમંગ સાથે ઓળખાણ થતાં પ્રેમ પાંગર્યો હતો. તેને કારણે 2023માં બંનેએ રજીસ્ટર મેરેજ કરી લીધા હતા. લગ્ન બાદ તે સાસુ-સસરા સાથે રહેવા ગઈ હતી. તેનો પતિ જમીન-મકાનની દલાલી કરે છે. પાંચેક મહિના પહેલાં તેના પતિને લત્તામાં રહેતા નરેન્દ્રભાઈ સાથે ઝઘડો થયો હતો. જેને કારણે તેનો પતિ ઘરેથી ભાગી ગયો હતો. તે વખતે તેના પેટમાં ચાર મહિનાનો ગર્ભ હતો.
પતિ વોન્ટેડ રહ્યો તે દરમિયાન જયાં પણ આશરો લેતો ત્યાં તેને પણ લઈ જતો હતો. આ રીતે ત્રણ-ચાર વાર જુદા-જુદા મિત્રોના ઘરે લઈ ગયો હતો. પાંચેક માસ પહેલા પતિ સાથે ઝઘડો થતાં અને તેને પોલીસ શોધતી હોવાથી કંટાળીને માતાના ઘરે રહેવા આવી ગઈ હતી. બાદમાં અવાર-નવાર તેનો પતિ તેને મળતો હતો. એક દિવસ તેણે પતિને કહ્યું કે મારે ગર્ભના દિવસો પુરા હોવાથી હવે હું તમારી સાથે નહીં આવી શકું. આ વાત સાંભળી પતિ ગુસ્સે થઈ ગયો હતો અને તેને મારકુટ શરૂ કરી હતી.
એટલું જ નહીં પોતાના મિત્ર સાથે ખરાબ સંબંધ છે તેવી શંકા કરી ખુબજ હેરાન કરવા લાગ્યો હતો. આ રીતે છેલ્લા ત્રણ મહિનાથી તેના પર શંકા કરી ત્રાસ આપે છે. ગઈ તા.૩ના રોજ તેણે પુત્રને જન્મ આપ્યો હતો. ગઈકાલે સાંજે તેની માતાના ઘરે પતિ અને સસરા ગોવિંદભાઈ આવ્યા હતા. તે વખતે તે ઘરની બહાર હતી. પતિએ કોલ કરતાં ઘરે પહોંચી હતી. તે વખતે પતિએ ફરીથી વહેમ કરી માથાકૂટ કરી હતી. જેને કારણે તેણે પોલીસ કન્ટ્રોલ રૂમમાં કોલ કરતાં પતિ ભાગી ગયો હતો.



