Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ડી.જે.નાં ટેમ્પોમાં બેસેલ લોકોને કરંટ લાગતા એક મહિલાનું સ્થળ ઉપર મોત, 6 લોકો સારવાર હેઠળ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ફતેપુરા તાલુકાના નવાગામથી રાજસ્થાનમાં ગયેલા જાનૈયાઓને આનંદપુરી પાસે હાઇવે માર્ગ ઉપર ડી.જે.ને 11 કે.વી વીજ વાયર સાથે સંપર્ક થતા ડી.જે.માં બેઠેલ 7 જેટલા લોકોને વીજ કરંટ લાગતા એક મહિલાનું સ્થળ ઉપર જ મોત નીપજવા પામ્યું હતું. જ્યારે 6 લોકોને વીજ કરંટથી દાઝી જતા ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. અને જેઓને હાલ બાસવાડા દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવેલ હોવાનું પણ જાણવા મળે છે. મંગળવારના રોજ ફતેપુરા તાલુકાના નવાગામથી રાજસ્થાનના આનંદપુરી પાસે આવેલા પીપલાઈ ગામે જાનૈયાઓ જાન લઈને ગયેલા હતા.

આ જાનમાં ફતેપુરા તાલુકાના પાટી ગામના લાલાભાઇ નાથાભાઈ મહિડાનું ડી.જે. પણ લઈ ગયા હતા. જ્યારે પીપલાઈ ગામે લગ્ન પ્રસંગ પૂર્ણ થતાં ડી.જે. પરત પાટી ગામે આવી રહ્યું હતું. જેથી આ ડી.જે માં સાતેક જેટલા લોકો બેઠા હતા. જે આનંદપુરી પાસે આવતા નવીન બનાવવામાં આવી રહેલ રોડ ઉપરથી પસાર થતા સમયે ડી.જે.ને ૧૧ કે.વીની વીજ લાઈન નો સંપર્ક થતા ડી.જે.માં કરંટ ઊતર્યો હતો. ડી.જે.માં સવાર દક્ષાબેન ગૌરવભાઈ મહીડા(ઉ.વ.30), ગૌરવભાઈ લાલસીંગભાઇ મહિડા (ઉ.વ.32., બંને રહે.પાટી) સામલીબેન માનસિંગભાઈ (ઉ.વ.50.,રહે.નવાગામ) લક્ષ્મીબેન કાળુરામ (ઉ.વ.35.,રહે.  ફળવા, રાજસ્થાન) ગણપતભાઈ લાલસિંહભાઈ (ઉ.વ.28., રહે.સુખસર), આશાબેન રમેશભાઈ (ઉ.વ.32, રહે.નવાગામ), કૈલાશબેન પ્રવીણભાઈ (ઉ.વ.25) નાઓને વીજ લાઈનનો કરંટ લાગ્યો હતો.

જેમાં ગંભીર ઇજાગ્રસ્ત દક્ષાબેન ગૌરવભાઈ મહિડાનું સ્થળ ઉપરજ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને તાત્કાલિક આનંદપુરી સરકારી દવાખાનામાં સારવાર બાદ ત્રણ લોકોને ગંભીર ઇજાઓ હોય વધુ સારવાર માટે બાસવાડા ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જે જગ્યાએ ડી.જે. ને હાઈટેન્શન વીજ વાયર સાથે સંપર્ક થયો તે જગ્યાએ નવીન રોડ બનાવવામાં આવી રહ્યો છે. તેમજ રોડમાં માટી પુરાણ વધુ હોય તેમજ વીજ વાયર ઝૂલતા હોય તે સાથે મીની ટ્રકમાં ડી.જે.ની ઊંચાઈ વધુ હોય આ વીજ કરંટ લાગ્યો હોવાની ચર્ચા થઈ હતી.