દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાપક પ્રમાણમાં ઝડપાયેલા ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થોએ વ્યાપક ચર્ચાઓ જગાવી છે. ત્યારે મોડીરાત્રે દ્વારકા નજીકના વરવાળા વિસ્તારના દરિયા કાંઠેથી ચરસના 30 પેકેટનો જથ્થો બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. પેકેટમાંથી આશરે રૂપિયા 16.02 કરોડની કિંમતના 32.053 કિલોગ્રામ ઉચ્ચ ક્વોલિટીના ચરસનો જથ્થો હોવાનું જાહેર થયું છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દ્વારકા પોલીસ તેમજ એસ.ઓ.જી. પોલીસ દ્વારા દ્વારકા નજીકના દરિયાકાંઠા વિસ્તારમાં નજીક મીઠાપુર માર્ગ પર આવેલા રૂપેણ બંદર તથા વરવાળા ગામ વચ્ચેના દરિયા કાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે દ્વારકા નજીકના વરવાળા ગામે આવેલા ઝવેરનગરના પાછળના ભાગે દરિયા કિનારે કેટલાક શંકાસ્પદ મનાતા પેકેટ પડયા હોવાથી આને અનુલક્ષીને અહીંના ઈન્ચાર્જ એસ.પી.હાદક પ્રજાપતિની સૂચના મુજબ પોલીસ સ્ટાફ દ્વારા રાત્રીના સમયે જ પોલીસ સ્ટાફ દ્વારા તાકીદે આ સ્થળે દોડી જઈ અને જોતા અહીંના દરિયા કિનારે રહેલા પથ્થરો તેમજ રેતીમાં પ્લાસ્ટિકની કુલ ત્રણ બાચકીઓ પડી હતી.
પોલીસે આ બાચકીઓને ખોલીને જોતા તેમાંથી બિનવારસુ 30 પેકેટ સાંપડયા હતા. તે અંગે પોલીસે વધુ ઊંડાણપૂર્વકની તપાસ આદરી, ચેકિંગ કરતા આ તમામ પેકેટમાં ચરસનો જથ્થો હોવાનું ખુલવા પામ્યું હતું. તેમાં આશરે રૃપિયા 16.02 કરોડની કિંમતના 32.053 કિલોગ્રામ ઉચ્ચ ક્વોલિટીના ચરસનો જથ્થો હોવાનું જાહેર થયું છે. ઘટના અંગે અજાણ્યા શખ્સો સામે સ્થાનિક પી.એસ.આઈ. સુવાએ ફરિયાદી બની, દ્વારકા પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં આગળની તપાસ મીઠાપુરના પી.એસ.આઈ. એન.એચ. જોશીને સોંપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમતના આ ડ્રગ્સ (ચરસ) સંદર્ભે રાત્રે જ પોલીસ દ્વારા કોમ્બિંગ તેમજ વ્યાપક ચેકિંગ કામગીરી આવી હતી.



