સુત્રાપાડામાં રામેશ્વર મંદિરના બંદર વિસ્તારમાં રહેતો એક પરિવાર શીતળા માતાજીના મંદિરે દર્શન કરવા જતો હતો ત્યારે રસ્તામાં લાટી ગામે વળાંકમાં સ્કૂટર બંધ કરીને આ પરિવાર ઉભો હતો એ વખતે કાળ બનીને આવેલા ધસમસતા ટ્રકે સ્કૂટર સમેત તમામને હડફેટે લેતાં કમનસીબ બનાવમાં પિતા-પુત્રના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જયારે બે પુત્રી અને એની માતાને ગંભીર ઈજા થતાં સારવારમાં ખસેડ્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુત્રાપાડાના રામેશ્વર મંદિર નજીક બંદર વિસ્તારમાં રહેતા માછીમારીનો વ્યવસાય કરતા રમેશભાઈ જેઠાભાઈ રાઠોડ એક્ટિવા સ્કૂટર લઈને મીઠાપુર શીતળા માતાજીના મંદિરે દર્શન માટે પરિવાર સહિત નીકળ્યા હતા. આ વખતે ધસમસતા વેગે ધસી આવેલા એક ટ્રકે આ પરિવારને હડફેટે લેતાં તમામને ઈજા થઈ હતી. જેમાં પત્ની રામેશ્વરીબેન, દીકરી સારિકા, સરીતા, અને ત્રિલોકનો સમાવેશ થાય છે. આ ઘટનામાં તમામને સારવારમાં ખસેડયા હતા. જયારે ગંભીર ઈજાગ્રસ્ત રમેશભાઈ જેઠાભાઈ રાઠોડ અને એના પુત્ર ત્રિલોકના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.



