Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગાંધીનગરમાં બ્રિજ નીચે રોંગ સાઈડમાં વાહનો હંકારતા ચાલકો સામે ગુના નોંધવાનું શરૂ કર્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદ પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી રોંગ સાઈડમાં વાહન ચલાવવા બદલ ગુના દાખલ કરવામાં આવે છે ત્યારે ગાંધીનગર પોલીસે પણ આ કાયદાનો ઉપયોગ શરૂ કર્યો છે અને આજે સવારથી અલગ અલગ સર્કલોને બ્રિજ નીચે રોંગ સાઈડમાં વાહનો હંકારતા ચાલકો સામે ગુના નોંધવાનું શરૂ કર્યું છે. આગામી દિવસમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. અગાઉ પોલીસ માર્ગો ઉપર ઉભી રહીને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતી હતી ત્યારે વાહન ચાલકો ફરજિયાત નિયમોનું પાલન કરતાં હતા કેમ કે ત્યાં સ્થળ ઉપર જ પોલીસ દ્વારા દંડ વસૂલી લેવામાં આવતો હતો અથવા તો વાહન ચાલક સામે કાર્યવાહી કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી પોલીસ દ્વારા આ ઝુંબેશ બંધ કરી દેવામાં આવી છે અને સીસીટીવી સર્વેલન્સ મારફતે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે. જોકે પોલીસ દ્વારા નિયમોના ભંગ કરનાર વાહન ચાલકોને ઘરે દંડની પાવતી મોકલી આપવામાં આવે છે અને મોટાભાગે વાહન ચાલક આ દંડ પણ ભરતા નથી તેના કારણે તેમને ટ્રાફિકના નિયમોનો કોઈ ડર રહેતો નથી.

આ સ્થિતિને કારણે અમદાવાદ પોલીસ દ્વારા રોંગ સાઈડમાં વાહનો હંકારતા ચાલકો સામે ગુના દાખલ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે હવે ગાંધીનગર પોલીસ પણ એક્શનમાં આવી છે. જેથી ગાંધીનગરમાં પણ સર્કલો આસપાસ તેમજ માર્ગો ઉપર રોંગ સાઈડમાં વાહન હંકારતા ચાલકો સામે ગુના દાખલ કરવામાં આવશે. આજે પોલીસ દ્વારા સવારના સમયે અલગ અલગ વિસ્તારોમાં ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. જેમાં અડાલજ, સરગાસણ ચાર રસ્તા, વૈષ્ણોદેવી, શાહપુર સર્કલ જેવા વિસ્તારોમાં રોંગ સાઈડમાં વાહન હંકારતા બાઈક અને મોપેડ તેમજ કાર ચાલકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા હતા. આગામી દિવસમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

પોલીસનું માનવું છે કે, આ પ્રકારની ડ્રાઇવ ચલાવવાથી નિયમોનું તો પાલન થશે જ પરંતુ અકસ્માતની ઘટનાઓ પણ અટકશે. ગાંધીનગરમાં ગઈકાલે ડીઆઈજીની ક્રાઈમ કોન્ફરન્સ દરમિયાન તેમણે ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન કરાવવા માટે તાકીદ કરી હતી અને તેમાં ખાસ કરીને ઓવર સ્પીડિંગ મામલે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. જેના પગલે હવે ગાંધીનગરમાં અલગ અલગ માર્ગો ઉપર પોલીસ દ્વારા ઓવર સ્પીડિંગ મામલે પણ કાર્યવાહી કરવામાં આવનાર છે અને ગતિ મર્યાદાના નિયમોનું પાલન નહીં કરનાર વાહન ચાલકો પાસેથી સ્થળ ઉપર જ દંડ વસૂલવામાં આવશે.