અઢી મહિના પહેલા નવસારી સ્પેશિયલ ઓપરેશન ગૃપ પોલીસે બાતમીના આધારે નવસારીમાંથી હાઈબ્રીડ ગાંજા બુંબાકુશ સાથે સુરતના રહેતા સેમસન ઉર્ફે સેમ સાયમન કરાસકો, નવસારીમાં રહેતા રાહુલ જાની અને આકાશ આહીરની ધરપકડ કરી રિમાંડ મેળવ્યા હતા. જે રિમાંડ દરમિયાન વિવેક ભરવાડનું નામ ખુલ્યું હતું. જેથી પોલીસે વિવેક ભરવાડની તપાસ કરી તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે વિવેક ભરવાડની પૂછપરછ કરતા આ હાઈબ્રીડ ગાંજાનો જથ્થો સુરતના ઉમંગ અગ્રવાલ નામના ઇસમ પાસેથી લાવતો હતો.
ત્યારબાદ પોલીસે ઉમંગની તપાસ કરી પોલીસે તેને ઝડપી પાડી પૂછપરછ કરતા હાઈબ્રીડ ગાંજો નવસારીમાં ગાંજો વેચવા માટે સેમ, આકાશ, રાહુલ અને વિવેકને વેચતો હોવાનું કબુલ્યું હતું. જોકે હાલ પોલીસે ઉમંગના રિમાંડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, સુરત ખાતે રહેતા સેમ અને વિવેક બંને મિત્રો છે. સેમ અને વિવેકનો ઓનલાઈન કપડાનો વેપાર વધુ સારો ન ચાલતા તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાતા ગાંજાનો વેપાર કરવા લાગ્યા હતા. તેઓ ડાર્ક વેબ મારફતે ગાંજો મંગાવતા હતા.
જે ગાંજો ઓનલાઈન મંગાવતા રમકડાની આડમાં ગાંજાની ડીલવરી કરવામાં આવતી હતી. આ બાબતે પોલીસે ડાર્ક વેબની વેબસાઇટની યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી આગળની વધુ તપાસ માટે સાયબર એક્સપર્ટ ટીમની મદદ લેવામાં આવી છે. સાથે જ પોલીસ તપાસ દરમિયાન નવસારી જિલ્લામાં હમણાં સુધીમાં 30 લાખ રૂપિયાનો ગાંજો વેચવામાં આવ્યો છે. ઉમંગ બે લાખ રૂપિયામાં ગાંજો મંગાવી થોડો ગાંજો પોતાના ઉપયોગ માટે કાઢી લેતો હતો અને બીજો ગાંજો ઉમંગ વિવેક ભરવાડને અઢી લાખ રૂપિયામાં વેચતો હતો. ત્યારબાદ વિવેક ભાવ વધારી ગાંજો સેમ, આકાશ અને રાહુલને આપતા હતા. જેથી ત્રણેય જણા ઊંચા ભાવે અન્ય લોકોને ગાંજો વેચતા હતા. આ બાબતે નવસારી પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.




