જામનગરમાં સતત અકસ્માતોના બનાવમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ગતરોજ રણજીત નગર પટેલ પાસે બે રીક્ષા અને કારનો ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ત્યારે હવે ઘોરીવાવની ગોલાઇ પાસે બેફામ ઓવરસ્પીડે કાર હંકારી રહેલા ચાલકે રીક્ષાને ટક્કર મારતાં રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં રીક્ષા ચાલક અને તેમાં સવાર 3 મુસાફરોને ઇજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતને લઇ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તો બીજી તરફ જામનગરમાં રણજીત નગર પટેલ સમાજ પાસે બપોરના સમયે બે ઓટો રિક્ષા અને એક કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. સદભાગ્ય ત્રણેય વાહનોમાં બેઠેલી કોઈ વ્યક્તિને ઈજા થઈ ન હતી, પરંતુ ત્રણેય વાહનોમાં નુકસાની થઈ હતી. જામનગરના રણજીત નગર પટેલ સમાજ પાસે બપોરના સમયે કાર પસાર થઈ રહી હતી. જે કારની પાછળ સૌપ્રથમ એક ઓટો રીક્ષા ટકરાઈને વાંગી થઈ ગઈ હતી.
ત્યારબાદ પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી બીજી પણ એક રિક્ષા ટકરાઈ ગઈ હતી અને તે રિક્ષામાં પણ ભારે નુકસાની થઈ હતી. સદ્દનસીબે કાર ચાલક તેમજ રિક્ષામાં બેઠેલ મુસાફરો અથવા રીક્ષા ચાલક કોઈને ઇજા થઈ ન હતી, અને તમામનો બચાવ થયો હતો. આ વિચિત્ર અકસ્માતને લઈને જોરદાર ધડાકો થયો હતો, અને આસપાસના વિસ્તારના લોકો ટોળે વળ્યા હતા. થોડો સમય માટે રણજીત નગર પટેલ સમાજના ચોકમાં ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઇ હતી. જેથી પોલીસ તંત્ર દોડતું થયું હતું અને વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો.



