ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં કારના કાચ તોડીને ચોરી કરતી ગેંગનો તરખાટ વધી રહ્યો છે ત્યારે વૈષ્ણોદેવી સર્કલ પાસે કારનો કાચ તોડીને ગઠિયાઓ તેમાંથી 45 હજારની કિંમતનું લેપટોપ ચોરીને ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે અડાલજ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નાના ચિલોડા ખાતે શિવસ્વાતિ એપાર્ટમેન્ટમાં રહેતા અને અદાણી શાંતીગ્રામ ખાતે મિત્ર સાથે આકટેકનો વ્યવસાય કરતા રાકેશ ભરતભાઈ વ્યાસ તેમની કાર લઈને વૈષ્ણોદેવી સર્કલ પાસે મિત્રો સાથે ચા પીવા માટે ગયા હતા. આ દરમિયાન તેઓ બહાર આવ્યા ત્યારે તેમની કારનો પાછળની બાજુના દરવાજાનો કાચ તૂટેલો હોવાનું જણાયું હતું અને અંદર તપાસ કરતા 45 હજારનું લેપટોપ ચોરાયું હતું. આસપાસના વિસ્તારમાં ચોરને શોધી રહ્યા હતા પરંતુ તેનો કોઈ પતો લાગ્યો ન હતો. જોકે આ મામલે હાલ અડાલજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ ચકાસીને આગળની તપાસ હાથ ધરી હતી.



