ગાંધીનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ડભોડા પંથકના વીરાતલાવડી ગામમાં તસ્કરો ત્રાટક્યા હતા અને પરિવાર ધાબા ઉપર સુઈ ગયો હતો તે દરમિયાન મકાનની જાળીનું તાળું તોડીને તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 1.85 લાખ રૂપિયાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડભોડાના વીરા તલાવડી ગામમાં રહેતા પંકજભાઈ વિસાભાઈ પરમાર રાત્રે તેમની પત્ની સાથે મકાન બંધ કરીને ધાબા ઉપર સૂઈ રહ્યા હતા.
તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનની જાળીને તાળું તોડીને મકાનમાં પ્રવેશ કરી તિજોરીમાંથી રોકડ રૂપિયા સોના ચાંદીના દાગીના મળી 1.85 લાખ રૂપિયાની ચોરી લીધી હતી. જોકે સવારના સમયે તેમના ભત્રીજા હર્ષ દિનેશભાઈ પરમાર ધાબા ઉપર કસરત કરવા માટે ગયો હતો તે દરમિયાન તેણે ઘર નજીક એક સફેદ કલરની કાર પડેલી જોઈ હતી. જેના પગલે તે કાકાના ઘરે પહોંચ્યો હતો અને પંકજભાઈને ફોન કરીને જગાડયા હતા તો તેમણે નીચે આવીને જોયું તો મકાનનું તાળું તૂટેલું હતું અને તેમાં ચોરી થઈ હતી. ચોરી અંગે ડભોડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને અજાણ્યાં તસ્કરો સામે ચોરીને ગુનો દાખલ કરીને તેમની શોધખોળ શરૂ કરી હતી.




