કામરેજ વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમીને આધરે પોલીસે ટોલનાકા નજીકથી બે લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ટ્રક નંબર RJ/27/GB/3757માં વિદેશી દારૂનો જથ્થો ભરી કામરેજ હાઇવે પરથી પસાર થનાર હોવાની કામરેજ પોલીસને બાતમી મળી હતી. ત્યારબાદ કામરેજ પોલીસે ઉપરોક્ત બાતમી અનુસાર કામરેજ ટોલનાકા નજીક હાઇવે પર વોચ ગોઠવતા બાતમીવાળી ટ્રક ત્યાં આવી પહોંચી હતી. તેથી પોલીસે તેને અટકાવી ચાલકને સાથે રાખી ટ્રકની અંદર તપાસ કરી હતી.
આ સમયે પોલીસને દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બનાવના સ્થળેથી 2,10,600/- કિંમતની દારૂની 1800 નંગ બોટલો, 15 લાખ કિંમતની ટ્રક, 7 હજારનાં 2 મોબાઈલ અને વેસ્ટ માર્બલ પાવડરની 546 નંગ બેગ મળી કુલ રૂપિયા 18.37 લાખ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પ્રોહિ. એક્ટ હેઠળ ગુનો નોંધી વાહન ચાલક સુખલાલ અંબાલાલ જાટ (રહે.જેસિંગપુરા, જિ. ભીલવાડા, રાજસ્થાન) અને ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો લઈને આવનાર પ્યારચંદ ગણેશજી મેઘવાલ (રહે.રાણા,જિ.ઉદયપુર,રાજસ્થાન)ની પોલીસે અટક કરી હતી. જયારે વિરેન્દ્ર (રહે.ઉદયપુર, રાજસ્થાન) અને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર સુરતનો અજાણ્યા ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.




