કોસંબા ખાતે રહેતા ખેડૂતને બદનામ કરવાના ઇરાદે સોશિયલ મીડિયામાં આક્ષેપો કરવાના મામલે કોસંબા પોલીસે ત્રણ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધતા ચકચાર મચી ગઇ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કોસંબા પોલીસની હદમાં આવેલા તીડ ફળિયામાં રહેતા ફૈઝલ મોહંમદ બાવા ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
આ ખેડૂતને બદનામ કરવાના ઇરાદે આસીફ, સલામ, ઇંદ્રીશ નામના ઇસમોએ સોશિયલ મીડિયામાં પાયા વિહોણા આક્ષેપો કર્યા હતા. જોકે ત્યારબાદ સમગ્ર મામલાની જાણ ખેડૂત ફૈઝલભાઈને થતા તેમના દ્વારા સમગ્ર ઘટના અંગે કોસંબા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી. હાલ પોલીસે ખેડૂતની ફરિયાદ અનુસંધાને આસીફ મુસા માયત (રહે.આલીપુર, જિ. નવસારી), સલામ ઇસ્માઇલ બલેશ્વરીયા (રહે.નવાપુર, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર), ઇદ્રીશ નવલખી (રહે. કપલેટા, તા. ચોર્યાસી, સુરત) વિરુદ્ધ ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું હતું.




