અંજારના સિનુગ્રા ગામની સીમમાં આવેલા સ્ટોન ક્રશર પ્લાન્ટ (ભેડિયા)માં કામ કરતાં બે પરપ્રાંતીય મજૂરે ભેગાં મળીને સહમજૂરને નજીવી બાબતે માથામાં મોટો પથ્થર ઝીંકી હત્યા કરી નાખતા પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે હત્યા કરનાર બે આરોપીને ઝડપી લીધા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અંજારનાં ખારીવાડીમાં રહેતા જતીન હીરજીભાઈ સોરઠીયાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, ફરિયાદીની અનુસાર અંજારનાં સિનુગ્રા ગામની સીમમાં આવેલા ભાગ્યલક્ષ્મી ઈન્ફ્રા પ્રોજેક્ટ નામથી સ્ટોન ક્રશર પ્લાન્ટ આવેલો છે.
જે પ્લાન્ટમાં 10 જેટલાં પરપ્રાંતિય મજૂરો કામ કરે છે અને કામ કરી પ્લાન્ટમાં જ બનેલી ઓરડીઓમાં રહે છે. ફરિયાદીનાં પ્લાન્ટમાં કામ કરતા મરણ જનાર ચરકુનાગ ઈન્દ્રો સાહુને સાથે કામ કરતાં ભીમસિંગ અને સાગર ઊર્ફે બહેરા સાથે મનમેળ નહોતો. છેલ્લાં છ માસમાં ચરકુનાગની અવારનવાર બે આરોપી સાથે બોલાચાલી થઈ હતી. જયારે રાત્રે 8 વાગ્યાનાં અરસામાં ચરકુનાગ પ્લાન્ટ બહાર જતો હતો ત્યારે ભીમસિંગ અને બહેરો બેઉ તેની પાછળ ગયા હતા. જ્યાં પ્લાન્ટની બહાર તેમની વચ્ચે ઝઘડો થયો હતો. જેથી આરોપી ભીમસિંગ અને સાગર ઊર્ફે બહેરાએ ચરકુનાગને ધક્કો મારી નીચે પાડી દીધો હતો અને ભીમસિંગે તેને પકડી રાખ્યો હતો અને બહેરાએ ચરકુનાગના માથામાં મોટો પથ્થર ઝીંકી દીધો હતો.
જેમાં ચરકુનાગને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઝગડાનાં ડખામાં બોલાચાલીનું અવાજ આવતા પ્લાન્ટ પરના અન્ય મજૂરો ઘટના સ્થળ પર આવતા બે આરોપી ત્યાથી નાસી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ ફરિયાદીને થતા ફરિયાદી પ્લાન્ટ પર દોડી આવ્યો હતો અને ચરકુનાગનને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીધામનાં રામબાગ હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.જેથી ફરિયાદીએ બે આરોપી વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.જેમાં અંજાર પોલીસે ગણતરીનાં કલાકોમાં હત્યા કરનાર બે આરોપીને ઝડપી પાડયા હતા.



