સુરેન્દ્રનગર : ACB એ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે એક સફળ ટ્રેપ ગોઠવીને મામલતદાર કચેરીના નાયબ મામલતદાર અને એક આઉટસોર્સ પટાવાળાને રૂ. 20 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. જમીનની નોંધ પ્રમાણિત કરવાના બદલામાં આ લાંચ માંગવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે ફરિયાદીના પિતાએ લખતર તાલુકાના વડલા ગામે ખેતીની જમીન વેચાણથી રાખી હતી. આ જમીનની નોંધ પ્રમાણિત કરવા માટે આરોપી કનકસિંહ વાધુભા ઝાલા (આઉટસોર્સ પટાવાળો) એ ફરિયાદી પાસે રૂ.50 હજારની માંગણી કરી હતી અને જણાવ્યું હતું કે ‘સર્કલ સાહેબ’ આ રકમ માંગે છે. રકઝકને અંતે રૂ.30 હજાર નક્કી થયા હતા.ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરેન્દ્રનગર એસીબીનો સંપર્ક કર્યો હતો.તા.07/04/2026 ના રોજ ગોઠવાયેલા છટકા દરમિયાન, લખતર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-3 ના નાયબ મામલતદાર જયદિપસિંહ હનુભા પરમારે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં પટાવાળા કનકસિંહને આપી દેવા જણાવ્યું હતું.જેમ જ પટાવાળાએ નાયબ મામલતદાર વતી રૂ.20 હજાર સ્વીકાર્યા, ત્યાં જ એસીબીની ટીમે ત્રાટકીને બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા. એસીબીએ લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




