રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ સુરત પાલિકા દ્વારા સતત છઠ્ઠા દિવસે સીલીંગની કામગીરી હાથ ધરી છે. સુરત પાલિકાના ફાયર વિભાગ રાત્રે સીલીંગની કામગીરી કરે ઝોનના કર્મચારીઓ દિવસે સીલીંગની કામગીરી કરે છે. સુરતમાં અત્યાર સુધીમાં પાંચ જીમ, આઠ ટેક્સટાઇલ માર્કેટ અને 11 હોટલ સહિતની મિલ્કતો સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત દિવસ દરમિયાન ઝોન દ્વારા ફાયર એન.ઓ.સી. અને બીયુ પરમીશન ન હોય તેવી મિલકત સીલ કરવાની કામગીરી ચાલી રહી છે.
આજની કામગીરીમાં પણ 600થી વધુ મિલ્કતો સીલ કરવામાં આવી છે અને સાંજે આ આંકડો વધી જશે. રાજકોટની દુર્ઘટના બાદ સુરતમાં પણ ફાયર એન.ઓ.સી. વિનાની મિલકત શોધવાની કામગીરી હાથ ધરી છે. જયારે છઠ્ઠા દિવસે સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં 102 દુકાન ધરાવતી સ્વદેશી માર્કેટ અને ડિંડોલી ખાતે આવેલ સાંઈ કોમ્પલેક્ષને સીલ કરવામાં આવ્યું છે. ઉપરાંત ઉધનામાં નાથુરામ ટાવરની 130 દુકાનો, વેસુમાં રિચમંડ પ્લાઝામાં 50 દુકાનો, ત્રણ હોટલ અને ધીરજ સન્સ સ્ટોર પણ સીલ કરવામાં આવ્યો છે. જ્યારે ઉધના, મગદલ્લા રોડ પર આવેલા સફળ સ્ક્વેરમાં 82 દુકાનો, 6 રેસ્ટોરન્ટ અને સાત હોટલ સીલ કરવામાં આવેલ છે.
આ રીતે સેન્ટ્રલ ઝોનમાં બે એસી ડોરમેટરી, ફિટવે જીમ, ગુજ્જુ રેસ્ટોરન્ટ અને રતન સિનેમા પાસે આવેલ એલ બી ટાવરનો બી બ્લોક 60 દુકાન સીલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત પાલિકાના વરાછામાં અબ્રામા રોડ પર આવેલ આસ્થા મેડીકેર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ સિવાય કતારગામ ઝોનમાં માનસરોવર શોપિંગ સેન્ટર, સૃષ્ટિ જનરલ હોસ્પિટલ, સ્ટેલોન જીમ, જીઆર જીમ અને સેવિયર ફિટનેસ જીમને સીલ કરવામાં આવેલ છે. રાંદેર ઝોનમાં પણ હોટલ વન તારા સહિતના અલગ-અલગ એકમો અને સંસ્થાઓ વિરુદ્ધ સીલિંગની કાર્યવાહી કરી હતી.



