રણબીર કપૂર હાલ નીતેશ તિવારીની બિગ બજેટ ફિલ્મ ‘રામાયણ’નાં શૂટિંગમાં વ્યસ્ત છે. તેવામાં રામાનંદ સાગરની રામાયણમાં સીતાની ભૂમિકા ભજવનારી અભિનેત્રી દીપિકા ચિખલિયાએ આ ફિલ્મ અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેણે કહ્યું છે કે, વારંવાર રામાયણ જેવા વિષય પર ફિલ્મ બનાવવી એ યોગ્ય નથી. જોકે રસપ્રદ વાત તો એ છે કે, રામાનંદ સાગરની ટીવી સીરીયલ રામાયણમાં રામની ભૂમિકા ભજવનાર કલાકાર અરુણ ગોવિલ જ આ ફિલ્મમાં દશરથની ભૂમિકામાં છે.
દીપિકા ચિખલિયાએ રામાયણ પર નારાજગી જતાવતાં કહ્યુ હતું કે, ઇમાનદારીથી કહૂં તો હું રામાયણ બનાવનારા લોકોથી નાખુશ છું. મને નથી લાગતું કે તેમણે રામાયણ જેવી ફલ્મ બનાવવી જોઇએ. તેઓ આવી ધાર્મિક ફિલ્મને ખોટી દિશામાં લઇ જઇ રહ્યા છે. મારું માનવું છે કે, રામાયણ જેવી ફિલ્મ વારંવાર બનવી ન જોઇએ, કેમકે ફિલ્મમાં કાંઇક નવીનતા લાવવા માટે તેઓ વાર્તા, એન્ગલ અને પાત્રોના દેખાવ સાથે છેડછાડ કરતા હોય છે. અભિનેત્રીએ ‘આદિપુરુષ’ ફિલ્મનો પણ ઉલ્લેખ કરતાં જણાવ્યુ હતુ કે, પોતાની ફિલ્મમાં કાંઇ નવીનતા લાવવા માટે સર્જકોએ સીતાની ભૂમિકા ભજવતી કૃતિ સેનનને ફિલ્મમાં પિન્ક કલરની સાટીનની સાડી પહરાવી હતી. બીજી તરફ રાવણ તરીકે સૈફ અલી ખાનને જુદો જ લૂક આપ્યો હતો. તેના કારણે વિવાદ સર્જાયો હતો.




