Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ધરમપુરનાં શખ્સને ઓનલાઈન ખરીદી કરવી ભારે પડી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ધરમપુરના એક વિસ્તારમાં રહેતા ૨૭ વર્ષીય યુવક અબ્દુલ રશીદ મેમણ (નામ બદલેલ છે) ધરમપુર બજારમાં ઓપ્ટિકલ્સની દુકાન ચલાવે છે. તેઓ તેમના માતા, પિતા, નાના ભાઈ સહિતના પરિજનો સાથે રહે છે. ગત તારીખ ૧૭-૦૩-૨૫ નારોજ અબ્દુલ રશીદ તેમના પિતાની ફેસબુક આઈ.ડી. જોઈ રહ્યા હતા. તે દરમિયાન ફેસબુકમાં તેમણે સાઈબ શાહ નામના ફેસબુક એકાઉન્ટમાં લેડીઝ કપડાં વેચાણ માટે મૂકવામાં આવ્યા હતા. અબ્દુલ રશીદને કપડાં ગમી જતા તેમણે સાઇબ શાહના ફેસબુક મેસેન્જર ઉપર મેસેજ કરી કપડાંની ખરીદી કરવા જણાવતા ભેજાબાજે એક મોબાઈલ નંબર મોકલ્યો હતો.

જે બાદ ભેજાબાજે અબ્દુલ રશિદના પિતાના મોબાઈલ ફોન ઉપર કોલ કરી વોટ્સએપ મારફતે લેડીઝ કપડાના ફોટો અને તેની કિંમત દર્શાવતા ફોટો મોકલ્યા હતા. અબ્દુલ રશીદને રૂ.૬,૦૩૦/-ની કિંમતના કપડાં પસંદ પડ્યા હતા. જેથી તેમણે તે કપડાં ખરીદી કરવા તૈયારી દર્શાવી હતી. ભેજાબાજે તેમને ૨ અલગ અલગ ક્યુ.આર. કોડ મોકલી, નાણાં ચૂકવી દીધા હોવાનો સ્ક્રીન શોટ મોકલવા ઓપ્ટિકલ્સના વેપારીને જણાવ્યું હતું. ત્યારબાદ વેપારીએ તેમની પત્ની, પિતા અને પોતાના મોબાઈલ મારફતે ભેજાબાજને કુલ રૂ.૬,૦૩૦ ચૂકવી દીધા હતા. ત્યારબાદ પણ કપડાંની ડિલિવરી નહિ મળતા અબ્દુલ રશીદે ભેજાબાજે આપેલા મોબાઈલ ઉપર સંપર્ક કરતા, ભેજાબાજે તેમનું પાર્સલ વાંસદા ખાતે અટકી ગયું હોવાનું જણાવી પાર્સલ બે દિવસમાં મળી જશે તેવી ખાતરી આપી હતી. ત્યારબાદ પણ પાર્સલ નહિ આવતા અબ્દુલ રશીદને છેતરાયા હોવાની જાણ થઈ હતી. જે બાબતે ઓપ્ટિકલ્સના વેપારીએ અજાણ્યા ભેજાબાજ સામે ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.