વાલોડનાં બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતાં બારડોલીથી સોનગઢ તરફ જતા નેશનલ હાઈવે રોડ ઉપરના સુમુલ ડેરી બ્રીજ પાસેથી ટેમ્પોમાં ગેરકાયદેસર રીતે અને ખીચોખીચ રીતે ભેંસોને ટૂંકી દોરી વડે બાંધી લઈ જતા ચાલક અને ક્લીનરને ઝડપી પાડી કુલ રૂપિયા ૬.૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ મગરકુઈ ગામનાં પાટિયા પાસે રહેતા અને ભેંસો ભરી આપનાર એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. 
મળતી માહિતી મુજબ, વાલોડનાં બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતાં બારડોલીથી સોનગઢ તરફ જતા નેશનલ હાઈવે રોડ ઉપરના સુમુલ ડેરી બ્રીજનાં છેડા પાસેથી તારીખ ૧૯/૦૫/૨૦૨૫ નાંરોજ એક આઇસર ટેમ્પા નંબર જીજે/૨૬/ટી/૮૮૪૧નો ચાલક નાઝીમ ઇબ્રાહીમ પટેલ (રહે.મહાદેવ નગર, કણજા ફાટક, વ્યારા) અને તેની સાથે કલીનર સમીરશા મેહમુદશા ફકીર (રહે.મગદુમ નગર, વ્યારા)ઓએ તેમના ટેમ્પામાં ૬ નંગ ભેંસો ગેરકાયદેસર રીતે અને ખીચોખીચ ભરી ટૂંકી દોરીથી બાંધ્યા હતા. તેમજ ઘાસચારા-પાણીની વ્યવસ્થા ન રાખી અને પ્રાથમિક સારવારના સાધનો ન રાખી અને કોઇ સત્તાધારી અધિકારીના પ્રમાણપત્ર વગર ૬ નંગ ભેંસોને ભરી, વહન કરતા પકડાઈ ગયા હતા.
આમ, પોલીસે ટેમ્પોમાં ગેરકાયદે ભરી લઈ જતા ૬ નંગ ભેંસો જેની કિંમત રૂપિયા ૧,૮૦,૦૦૦/- અને ટેમ્પો જેની કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦/- તથા બે નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા ૬.૯૦,૦૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે ટેમ્પોમાં તબેલામાંથી ભેંસો ભરી આપનાર હાસમ સોકત આલીસર (રહે.મગરકુઈ ગામનાં પાટિયા પાસે, વ્યારા)નાને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ટેમ્પો ચાલક અને ક્લીનર વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે તબેલામાંથી ભેંસો ભરી આપનારને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.




