રાજ્યમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે જયારે આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડાંગના વઘઈમાં 6 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદના કારણે રોડ-રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા હતા. બીજી તરફ ઉચ્છલમાં 3.18 ઈંચ, ડાંગ-આહવામાં 3.14 ઈંચ, ડોલવણમાં 2 ઈંચ, લુણાવાડામાં 2 ઈંચ, વાંસદામાં 1.8 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે તાપી જિલ્લા નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. ડોલવણથી પસાર થતી ઓલણ નદીની જળસપાટી વધી હતી.
નદી પરના લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. બ્રિજ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. પંચોલ, પીઠાદરા સહિતના ગામને જોડતો પુલ પાણીમાં ગરકાવ થયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે જ્યારે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદમાં ભારે વરસાદ થઇ શકે છે.
આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. રાજ્યમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ઓગસ્ટ સુધી રાજ્યમાં 26.62 ઈંચ સાથે સિઝનનો 76.57 ટકા વરસાદ હતો. જ્યારે 27 ઓગસ્ટ સવાર સુધીમાં 34.76 ઈંચ સાથે 100 ટકા વરસાદ વરસ્યો હતો. રાજ્યના 16 જિલ્લામાં 100 ટકાથી વધુ જ્યારે 66 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. કચ્છમાં સૌથી વધુ 116.79 ટકા, દક્ષિણ ગુજરાતમાં 108.20 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 101.52 ટકા વરસાદ વરસ્યો છે. બીજી તરફ પૂર્વ મધ્ય ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ હવે માત્ર 1.25 ટકા દૂર છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો 80 ટકા વરસાદ વરસ્યો છે.




