ચૂંટણી પંચે શનિવારે (9 ઓગસ્ટ) ચૂંટણી પ્રણાલીને શુદ્ધ કરવાની દિશામાં એક મોટું પગલું ભર્યું અને 334 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો (RUPP)ને યાદીમાંથી હટાવી દીધા છે. કર મુક્તિ જેવા વિશેષાધિકારો અને લાભો મેળવતા આ પક્ષોએ 2019થી છેલ્લા 6 વર્ષમાં એક પણ ચૂંટણી લડવાની ફરજિયાત શરત પૂરી કરી નથી, જેના કારણે પંચે આ પક્ષોને યાદીમાંથી દૂર કર્યા છે.
આ RUPPs દેશભરના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છે. દેશના તમામ રાજકીય પક્ષો (રાષ્ટ્રીય/રાજ્ય/RUPPs) જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 29Aની જોગવાઈઓ હેઠળ ECI સાથે નોંધાયેલા છે. આ જોગવાઈ હેઠળ રાજકીય પક્ષ તરીકે નોંધાયેલ કોઈપણ સંગઠનને કર મુક્તિ જેવા ચોક્કસ વિશેષાધિકારો અને લાભો મળે છે. આ પ્રક્રિયા રાજકીય વ્યવસ્થાને શુદ્ધ કરવાના અને 2019થી કોઈપણ લોકસભા કે રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશ વિધાનસભા કે પેટાચૂંટણી લડ્યા નથી અને જે વાસ્તવમાં શોધી શકાતી નથી તેવા પક્ષોને યાદીમાંથી દૂર કરવાના ઉદ્દેશ્યથી હાથ ધરવામાં આવી છે. રાજકીય વ્યવસ્થામાં શુદ્ધતા લાવવાના ઉદ્દેશ્યથી આ પગલું લેવામાં આવ્યું છે. ચૂંટણી પંચે જૂન મહિનામાં આ દિશામાં પગલાં લીધા હતા. ત્યારબાદ એવું જોવા મળ્યું કે ECI સાથે નોંધાયેલા 3,000થી વધુ RUPPમાંથી લગભગ 350 પાર્ટી તેમની હાજરી નોંધાવવાની ફરજિયાત શરત પૂરી કરી શકી નહતી. આ પછી કમિશને આવા RUPPને ઓળખવા માટે રાષ્ટ્રવ્યાપી કવાયત શરૂ કરી, ત્યારબાદ આવા 345 RUPPને ઓળખવામાં આવ્યા છે.
RUPPને કારણ દર્શક નોટિસ જાહેર કરવા નિર્દેશ અપાયા : કોઈપણ પક્ષને અન્યાયી રીતે યાદીમાંથી બાકાત રાખવામાં ન આવે તે સુનિશ્ચિત કરવા માટે સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સીઈઓને આવા આરયુપીપીને કારણદર્શક નોટિસ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદ આ પક્ષોને સંબંધિત સીઈઓ દ્વારા સુનાવણી દ્વારા તક આપવામાં આવી હતી. દરેકનો પક્ષ સાંભળ્યા પછી એવું બહાર આવ્યું કે છેલ્લા 6 વર્ષમાં 334 પક્ષોએ એક પણ ચૂંટણી લડી નથી. આવી સ્થિતિમાં, તેમના પક્ષોને યાદીમાં સામેલ કરી શકાતા નથી. હવે દેશમાં 6 રાષ્ટ્રીય પક્ષો, 67 રાજ્ય પક્ષો અને 2854 નોંધાયેલા બિનમાન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષો છે. ચૂંટણી પંચનું કહેવું છે કે આ પ્રથા તેના દ્વારા ચાલુ રાખવામાં આવશે. બધા રાજકીય પક્ષોની નોંધણી માટેની માર્ગદર્શિકા સ્પષ્ટ છે અને જો કોઈ પક્ષ સતત 6 વર્ષ સુધી ચૂંટણી લડશે નહીં તો તેને નોંધાયેલા પક્ષોની યાદીમાંથી દૂર કરવામાં આવશે. આ ઉપરાંત પક્ષકારોએ તેમના નોંધણી સમયે નામ, સરનામું, પદાધિકારીઓ વગેરે જેવી વિગતો પ્રદાન કરવાની રહેશે અને કોઈપણ ફેરફારની જાણ કોઈપણ વિલંબ વિના કમિશનને કરવી જોઈએ. દૂર કરાયેલા RUPPs હવે RP એક્ટની કલમ 29B અને કલમ 29Cની જોગવાઈઓ હેઠળ કોઈપણ લાભ મેળવવા માટે પાત્ર રહેશે નહીં. જો કે, કમિશનના આ આદેશ સામે અસરગ્રસ્ત પક્ષ 30 દિવસની અંદર અપીલ કરી શકે છે.



