વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, પર્યાવરણના જતન માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે રાજ્યભરમાં વાનોના નિર્માણ માટે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. વિધાનસભા ખાતે પાલનપુર તાલુકામાં સામુહિક વન નિર્માણ કાર્યક્રમ હેઠળ વૃક્ષોના વાવેતર અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૯ ગામોમાં ૧૩.૫૦ હેક્ટર વિસ્તારમાં ૧૦ હજાર ૮૦૦ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું.
જે માટે કુલ રૂ.૨૪ લાખ ૯૦ હજાર ખર્ચ કરવામાં આવ્યો હતો. તેજ રીતે વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૧ ગામોમાં ૪૩ હેક્ટર વિસ્તારમાં ૪૪ હજાર ૯૧૧ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે જે માટે કુલ રૂ. ૩૮ લાખ ૯૨ હજાર ખર્ચ કરવામાં આવ્યો છે. એટલે કે છેલ્લા બે વર્ષમાં પાલનપુર તાલુકાના ૨૦ ગામમાં ૫૬.૫ હેક્ટર વિસ્તારમાં ૫૫ હજાર ૭૧૧ રોપાનું વાવેતર કરવામાં આવ્યું જે પેટે કુલ રૂ.૬૩ લાખ ૮૨ હજારનો ખર્ચ કરવામાં આવ્યો છે.



