૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાતી હોય છે. ગુજરાત સરકાર દ્વારા મહિલા શશક્તિકરણ માટે અનેકવિધ કામો કરવામાં આવતા હોય છે. જેમાં ખાસ કરીને એક એવો નંબર આપવામાં આવ્યો છે જે છેલ્લાં 9 વર્ષથી ગુજરાતની મહિલાઓની સલામતી માટે સંકટ સમયની સાંકળ બન્યો છે. શું તમે આ નંબર વિશે જાણો છો? દરેક મહિલાને આ નંબર વિશે અચુક ખ્યાલ હોવો જોઈએ. અહીં વાત થઈ રહી છે અભયમની. અહીં વાત થઈ રહી છે 181 નંબરની. ૧૮૧ અભયમ હેલ્પલાઇન, આ નંબર છે નિડરતાનો અને મહિલાઓની સુરક્ષાનો.
ગુજરાતની મહિલાઓને અભય બનાવતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનના ગુજરાતમાં સફળતાના ૯ વર્ષ પૂર્ણ કર્યા છે. છેલ્લાં ૯ વર્ષમાં અંદાજે ૧૩.૯૯ લાખથી વધુ મહિલાઓને સેવા આપી ૧૮૧ અભયમ હેલ્પલાઇન ખરા અર્થમાં મહિલાઓ માટે સંકટ સમયની સાથી બની ગઈ છે. ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવ્યા છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહિલા હેલ્પલાઈન”ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન” શરૂ કરવામાં આવી છે.
રાજ્યની મહિલાઓને સામાજિક અને આર્થિક રીતે સુદ્રઢ બનાવવા હંમેશા ચિંતિત અને પ્રયત્નશીલ રહેતી રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે “સેફ સિટી” પ્રોજેક્ટ હેઠળ રાજ્યના વસ્તી અને વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટા અને આર્થિક-કેપિટલ એવા અમદાવાદ શહેરમાં ખૂબ જ ઓછા સમયમાં રેસ્ક્યુવાનની સેવા મળી રહે તે હેતુથી નવી કુલ-૧૨ અભયમ રેસ્ક્યુવાનને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન હેઠળ ૫ માર્ચ ૨૦૨૩ના રોજ મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવી છે. આમ, સમગ્ર દેશમાં ગુજરાત એ આગવી પહેલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે, જેમાં ૧૮૧ મહિલા હેલ્પલાઇન હેઠળ કુલ ૫૯ રેસ્ક્યુવાનનો કાફલો ૨૪x૭ મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં કાર્યાન્વિત રહેશે.




