ગાંધીનગરનાં એપોલો સર્કલ નજીક અજાણ્યા વાહન ચાલક પોતાનું વાહન પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી હંકારી બાઈકને ટક્કર મારી નાસી ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજતા ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના એપોલો સર્કલ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. અમદાવાદનાં ચાંદખેડા શિવ શક્તિ નગરમાં રહેતાં સુરેશભાઈ બેચરભાઈ રાવત નિવૃત જીવન ગુજારે છે.
આ દરમ્યાન તેમની ભત્રીજીએ ફોન કરીને જાણ કરેલી કે, તેના પપ્પાને એપોલો સર્કલ નજીક અકસ્માત થયો છે. આથી સુરેશભાઈ અને તેમનો દીકરો નિલેશ તાત્કાલિક એપોલો સર્કલ પહોંચી ગયા હતા. જ્યાં ભાટ ટોલટેક્ષથી એપોલો સર્કલ તરફના રોડ ઉપર અપોલો સર્કલથી 200 મીટર દૂર સુરેશભાઈના નાના ભાઈ પ્રવિણભાઈ બેચરભાઈ રાવત મરણ ગયેલ હાલતમાં પડ્યા હતા. અને નજીકમાં તેમનું બાઇક પડેલું હતું.
આ અકસ્માતના પગલે મોટી સંખ્યામાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ત્યારે માલુમ પડયું હતું, પ્રવીણભાઈ ચિલોડા તરફથી બાઈક ઉપર ઘરે આવતા હતા અને એપોલો સર્કલ નજીક પહોંચતા કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારીને બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. આ અંગે જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. અને મૃતકની લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.



