બોલરોની જોરદાર રમત બાદ, કેપ્ટન સ્મૃતિ મંધાનાની શાનદાર ઈનિંગના આધારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ મંગળવારે મહિલા પ્રીમિયર લીગની મેચમાં ગુજરાત જાયન્ટ્સને આઠ વિકેટે હરાવ્યું હતું. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં RCBએ ગુજરાતને મોટો સ્કોર કરવા દીધો નહોતો. ગુજરાતની ટીમ 20 ઓવર બાદ સાત વિકેટ ગુમાવીને માત્ર 107 રન બનાવી શકી હતી. RCBએ આ લક્ષ્યાંક 12.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ સાથે RCBએ આ સિઝનની બીજી જીત નોંધાવી છે. પ્રથમ મેચમાં RCBએ યુપી વોરિયર્સને હરાવ્યું હતું.
સ્મૃતિએ આ મેચમાં તોફાની ઈનિંગ રમી અને વિસ્ફોટક રીતે રન બનાવ્યા હતા. એસ મેઘનાએ તેને ટેકો આપ્યો હતો. મંધાના ઝડપી રન બનાવી રહી હતી જ્યારે મેઘના સ્ટ્રાઈક ફેરવી રહી હતી. આ જીત બાદ RCB ટીમ WPLના પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાન પર આવી ગઈ છે. બે મેચમાં બે જીત સાથે તેમના ચાર પોઈન્ટ છે. મુંબઈ ઈન્ડિયન્સના પણ ચાર પોઈન્ટ છે, પરંતુ RCBનો નેટ રન રેટ મુંબઈ કરતા સારો છે. ગુજરાતની આ સતત બીજી હાર છે. આ ટીમ હજુ સુધી પોતાનું ખાતું ખોલાવી શકી નથી.
જોકે, 108 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી RCBને પહેલો ફટકો વહેલો લાગ્યો હતો. આ ટીમે ચોથી ઓવરમાં જ પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. એશ્લે ગાર્ડનરે સોફા ડિવાઈનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. મેઘના સિંહે સોફી ગેર્ડનરનો કેચ પકડ્યો હતો. તેણે માત્ર છ રન બનાવ્યા હતા. મંધાના બીજા છેડેથી ઝડપથી રન બનાવી રહી હતી અને મેઘના તેને સાથ આપી રહી હતી. મંધાના તેની અડધી સદી તરફ આગળ વધી રહી હતી, પરંતુ તે તનુજા કંવરના હાથે કેચ થઈ ગઈ અને અડધી સદી ચૂકી ગઈ. મંધાનાએ 27 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા.
અગાઉ રેણુકા સિંઘ અને સોફી મોલિનેક્સે તેમની શાનદાર બોલિંગથી ગુજરાતના બેટ્સમેનોની હાલત ખરબ કરી હતી. બંને સતત વિકેટો લેતા રહ્યા હતા. રેણુકાએ ચાર ઓવરમાં 14 રન આપીને બે વિકેટ લીધી હતી. સોફીએ ચાર ઓવરમાં 25 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. RCBની કેપ્ટન મંધાનાએ સાત બોલરનો ઉપયોગ કર્યો હતો. ગુજરાત માટે ઓપનિંગ બેટ્સમેન હરલીન દેઓલે 22 રનની ઈનિંગ રમી હતી. મિડલ ઓર્ડર બેટ્સમેન ડાયલન હેમલતાએ અણનમ 31 રન બનાવીને ટીમના સ્કોરને 100ની પાર પહોંચાડ્યો હતો. આ બે સિવાય માત્ર સ્નેહ રાણા જ ડબલ ફિગર (12 રન) સુધી પહોંચી શકી હતી.
