વાલોડના બાજીપુરાથી દેગામા કોંકણવાડ તરફ જતા માર્ગે બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતાં એકનું મોત નિપજ્યું હતું, જયારે એક મહિલા સહિત બે જણા ઈજાગ્રસ્ત થયા હતાં. મળતી માહિતી મુજબ, દેગામા ગામમાંથી પસાર થતા બાજીપુરાથી દેગામા કોંકણવાડ તરફ જતા રસ્તા ઉપર વિકાસ શિપાહી શર્મા (ઉ.વ.25., હાલ રહે.બાજીપુરા સ્વામીનારાયણ મંદિરની બાજુના પડાવમાં, વાલોડ, મૂળ રહે.મનુપુર જહાંગીર ગાંવ, પોસ્ટ, મિર્ઝાપુર જુઆરી, થાના-દોરીગંજ, જિ.સારણ, બિહાર) પોતાના કબ્જાની પ્લેટીના બાઈક નંબર GJ/26/AC/5469 લઈને કપુરા ખાતે જતા હતા.
તે દરમિયાન ગત તારીખ 25નાં રોજ સવારે 7:15 વાગ્યાના અરસામાં સ્પ્લેન્ડર પ્લસ બાઈક નંબર GJ/26/AD/1822નાં ચાલક એમીષભાઈ દિનેશભાઈ કોંકણી (રહે.દેગામા ગામ, કોંકણવાડ ફળિયું, વાલોડ)નાંએ પોતાના કબ્જાની બાઈકને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી વિકાસ શિપાહી શર્માની મોપેડને સામેથી ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં વિકાસ શર્માના માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં સ્પ્લેન્ડર પ્લસના ચાલક એમીષભાઈ કોંકણીને તથા તેમની પાછળ બેસેલાં પ્રાચીબેન જ્યોતીષભાઈ કોંકણીને શરીરે ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત અંગે સ્પ્લેન્ડર પ્લસના ચાલક એમીષ કોંકણી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



