રામ રહીમને 50 દિવસના પેરોલ આપવાના મુદ્દે પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અરજી થઈ હતી. તેની સુનાવણી વખતે હાઈકોર્ટે હરિયાણા સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, હવેથી રામ રહીમને પેરોલ આપતા પહેલાં અમારી પરવાનગી લેજો. રામ રહીમને 2021માં પણ 21 દિવસના પેરોલ મળ્યા હતા. તારીખ 10મી માર્ચે રામ રહીમને જેલમાં હાજર કરી દેવાનો આદેશ પણ કોર્ટે કર્યો છે. ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને બળાત્કારના કેસમાં 20 વર્ષની જેલની સજા થઈ હતી. રોહતગની સુનારિયા જેલમાં બંધ બાબા રામ રહીમને હરિયાણાની સરકારે 50 દિવસના પેરોલ આપ્યા હતા.
તેની સામે શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમિટીએ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી અને રાજ્ય સરકાર વારંવાર રામ રહીમને બિનજરૂરી પેરોલ આપે છે તે રોકવાની માગણી કરી હતી. એ કેસની સુનાવણી વખતે પંજાબ-હરિયાણા હાઈકોર્ટે હરિયાણાની સરકારની ઝાટકણી કાઢી હતી અને હવેથી રામ રહીમને પેરોલ આપતા પહેલાં હાઈકોર્ટની પરવાનગી લેવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, આ રીતે કેટલા કેદીઓને પેરોલ આપવામાં આવ્યા છે તેની વિગત હાઈકોર્ટને આપો.
સાથે સાથે હાઈકોર્ટે 10મી માર્ચે રામ રહીમના પેરોલ પૂરા થાય એ જ દિવસે તેને હાજર કરીને જેલમાં બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ અંગે વધુ સુનાવણી 13મી માર્ચે થશે. ખટ્ટર સરકારે બચાવમાં કહ્યું હતું કે, રામ રહીમને જેલના નિયમો પ્રમાણે જ પેરોલ અપાયા છે. તેને સિરસાના આશ્રમમાં જવાની પરવાનગી અપાઈ નથી. રામ રહીમને એકાદ મહિના પહેલાં રાજ્ય સરકારે ૫૦ દિવસના પેરોલ પર મુક્ત કર્યા હતા.
પેરોલ મળ્યા બાદ રામ રહીમે યુપીના બરનાલા આશ્રમમાં પહોંચીને ભક્તોને વિડીયો મેસેજ આપ્યો હતો. ભક્તોને સંબોધીને રામ રહીમે કહ્યું હતું કે વધુ એક વખત તમારી સેવામાં હાજર થયો છું. તે પહેલાં નવેમ્બર-2023માં પણ 21 દિવસના પેરોલ મંજૂર કરાયા હતા. જુલાઈ 2023માં 30 દિવસના પેરોલ અપાયા હતા. જાન્યુઆરી 2023માં 40 દિવસના પેરોલ મંજૂર થયા હતા. ઓક્ટોબર 2022માં 40 દિવસના પેરોલ મળ્યા હતા. સાધ્વીઓ પર રેપ અને હત્યાના બે આરોપમાં 20 વર્ષની સજા ભોગવતા રામ રહીમને વારંવાર પેરોલ મળવાના મુદ્દે હરિયાણાની ખટ્ટર સરકારની ટીકા થઈ હતી અને વિપક્ષોએ રામ રહીમને રાજકીય હેતુથી પેરોલ આપવામાં આવે છે એવો આરોપ લગાવ્યો હતો.



