શિયાળામાં સામાન્ય રીતે હાર્ટ એટેકના બનાવો વધતા હોય છે તેમ તબીબી સૂત્રો કહે છે, પરંતુ ભેદી કારણોસર હવે તો બળબળતા ઉનાળામાં પણ હાર્ટ એટેકનો સિલસિલો જારી રહ્યો છે. રાજકોટમાં ગત બે દિવસમાં ચાર યુવકોનાં હૃદય બંધ પડી જતા મોત નીપજ્યા છે. આ કેસો માત્ર પોલીસ ચોપડે જાહેર થયા મૂજબના છે, તે સિવાયના હૃદયરોગના અનેક કેસો નોંધાતા રહે છે. મળતી માહિતી મુજબ, ભવાનીનગર શેરી નં.૪, રામનાથ પરામાં રહેતા સંજય ભરતભાઈ પરમાર (ઉ.વ.30) નામના યુવક રાત્રિના સુતા બાદ સવારે જગાડતા તે બેભાન હોય સિવિલમાં લાવતા મૃત્યુ પામેલ જાહેર કરાયેલ છે.
મૃતક બે ભાઈ અને એક બહેનમાં મોટો હતો અને દાણા પીઠમાં મજુરી કામ કરીને ગુજરાન ચલાવતા આ યુવકના મોત માટે અચાનક હાર્ટ એટેકનું કારણ એ ડિવિઝન પોલીસની તપાસમાં જણાયું છે. જયારે કિરણબેન ચંદ્રેશભાઈ રાજા (ઉ.વ.46, રહે.સ્વામી વિવેકાનંદ ટાઉનશીપ, જીવરાજ પાર્ક) તેમના ઘરે બેભાન થઈ જતા હોસ્પિટલે ખસેડતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેક આવ્યો હતો. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ભાજપના આગેવાન રત્નાભાઈ દેવશીભાઈ કાલોતરા (ઉ.વ.49, રહે.ભાવનગર રોડ નજીક મયુરનગર મેઈનરોડ, સીતારામ સોસાયટી) આગલી રાત્રે ઘરે છાતીમાં દુખાવો ઉપડતા સિવિલમાં લાવતા મૃત્યુ પામેલ જાહેર કરાયા હતા.
ત્રણ પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. થોરાળા પોલીસની તપાસમાં હાર્ટ એટેકની શંકા જણાવાઈ છે. તેમજ શાકભાજીનો ધંધો કરતા અજય શ્યામનારાયણ ગોસ્વામી (ઉ.વ.45, રહે. લાભદીપ સોસાયટી, ગાંધીગ્રામ) નામના પ્રૌઢ આગલી રાત્રે ઘરે બેભાન થઈ જતા હોસ્પિટલે ખસેડતા હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું ગાંધીગ્રામ પોલીસની તપાસમાં ખુલ્યું છે. મૃતક બે ભાઈમાં નાના ભાઈ હતા. રાજકોટમાં ઈન્ડીયન મેડીકલ એસો. દ્વારા હાર્ટ એટેકના વધતા બનાવોને લઈને સેમીનાર પણ યોજ્યો હતો અને જીવનશૈલી કઈ રીતે રાખવી તેનું માર્ગદર્શન પણ આપ્યું હતું. ત્યારબાદ પણ હાર્ટ એટેક ઘટવાનું નામ લેતા નથી. કેટલાક એટેક એટલા સિવિયર હોય છે કે સારવાર માટે પણ સમય રહેતો નથી.




