તાપી જિલ્લા કોકણી-કુનબી-કુકણા સમાજનું પ્રથમ સ્નેહ મિલન સંમેલન કરંજખેડ તા.ડોલવણ જિ. તાપી ખાતે તા ૨૫-૧૧-૨૦૨૩ શનિવારે ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપદંડક વિજયભાઇ આર.પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં કાર્યક્રમના ઉદઘાટક તરીકે વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી ઉપસ્થિત રહ્યાં હતાં.
આ સંમેલનમાં કોકણી-કુનબી-કુકણા સમાજના અંદાજિત ૫૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા. આ સંમેલનમાં પ્રકૃતિ પૂજા, કનસરી માતા પૂજા કરીને, ધરતીમાતાની વંદના કરવામાં આવી, સ્વાગત પ્રવચન કરંજખેડના સરપંચ મહેશભાઈ કોકણીએ કર્યુ, કાર્યક્રમની રૂપરેખા તાપી જિલ્લા કોકણી-કુનબી-કુકણા સમાજ વિકાસ મંડળના પ્રમુખ આનંદભાઈ બાગુલ દ્વારા રજૂ કરવામાં આવી.
સંમેલનમાં સમાજના આગેવાનો દ્વારા સમાજની રૂઢી, પરંપરા, કલા, વાદ્ય, સમાજનો ઇતિહાસ અને સંસ્કૃતિ તેમજ વર્તમાન સમયમાં સમાજની સમસ્યાઓ અને આદિજાતિના પ્રમાણપત્ર મેળવવાની સમસ્યાઓ વગેરેની ચર્ચા કરી વિગતવાર સમજ આપવામાં આવી, આ પ્રસંગે સમાજના ૨૩ જેટલા વિવિધ ક્ષેત્રના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું, સમાજની વિસરાતી જતી સંસ્કૃતિ કહાળીયા નૃત્ય, થાળી વાદન, માદળ નૃત્ય, પાવરી નૃત્ય વગેરેની ઝાંખીઓ રજૂ કરવામાં આવી જે સમગ્ર શ્રોતાગણે મંત્રમુગ્ઘ બનીને કાર્યક્રમ નિહાળ્યો.
આ સંમેલનમાં માનનીય ધારાસભ્ય મોહનભાઈ કોકણીએ પ્રાસંગિક ઉદબોધનમાં સમાજને સંગઠીત રહેવા તથા સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરવા આહવાન કર્યું, સમાજનું સંગઠન મજબુત બને તથા શિક્ષણને વેગ આપવા કરંજખેડ અને ડોલવણ ખાતે અધતન લાયબ્રેરી તથા વ્યારા તાલુકામાં પણ નવી 5 લાઇબ્રેરી બનાવવાની ખાતરી આપી હતી. જેનો સમાજના યુવાનોને બહોળો લાભ મળશે. સંમેલનના અધ્યક્ષ સ્થાનેથી શ્રી વિજય પટેલે સંમેલનના આયોજન જોઈ પોતાની ખુશી વ્યક્ત કરતા ઉદબોધન કર્યું કે આપણા સમાજમાં ખૂબ શક્તિ રહેલી છે પરંતુ આપણે સંગઠિત થવાની ખૂબ જરૂર છે અને સમાજ જ્યારે જ્યારે અમને કહેશે ત્યારે હર હંમેશ સમાજ સાથે ઉભા રહીશું. નવી પેઢીના શિક્ષણના વ્યાપ માટે અધતન લાયબ્રેરી શરૂ થાય તે માટે તેઓ દ્વારા સહયોગ આપવાની ખાતરી આપી.




