વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રેલવે વિભાગના રૂ. ૮૫ હજાર કરોડથી વધુની વિવિધ રેલવે પરિયોજનાઓનો ઈ-શિલાન્યાસ, લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુરત સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનમાં આયોજિત કાર્યક્રમમાં રેલ્વે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સુરત રેલ્વે સ્ટેશન ખાતે ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલનું ઉદ્દઘાટન કર્યું હતું. જેમાં સ્થાનિક કારીગરોના જ્વેલરી, જરી અને ભરતયુક્ત કાપડ જેવા ઉત્પાદનોને ગ્રાહકો તેમજ વિશાળ સુગમ બજાર મળી રહેશે. રેલવે યાત્રીઓને લોકલ ઉત્પાદનો ખરીદવામાં સરળતા થશે. આ પ્રસંગે રેલ્વે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરતા લાખો કરોડોના વિકાસકામોની ભેટ મળી રહી છે. રેલવે વિભાગમાં થયેલા કામોની વિગતો આપી હતી.
સુરત રેલવે સ્ટેશનના નવીનીકરણ અંગે જણાવ્યું કે, આગામી સમયમાં સુરત રેલવે સ્ટેશન દેશનું સૌપ્રથમ મલ્ટી મોડેલ રેલવે સ્ટેશન વિકસિત થશે, જ્યાં રેલવે, જીએસઆરટીસી, સિટી બસ ટર્મિનલ સ્ટેશન અને મેટ્રોને એકીકૃત કરીને અવિરત ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે. નવું અત્યાધુનિક સ્ટેશન બિલ્ડિંગ આર્થિક પ્રવૃત્તિઓની સાથે વ્યવસાય, વેપાર-વાણિજ્યનું કેન્દ્ર બનશે. તેમણે વધુમાં કહ્યું કે, અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેન વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઉભી રહેશે. જેનો લાભ સુરતીઓ મેળવી શકશે. રાજ્ય અને કેન્દ્ર સરકાર એમ ડબલ એન્જિનના સુશાસનથી વિકાસકામો તેજગતિથી સાકાર થઈ રહ્યા છે. સરકારે રેલ્વેના મહત્વપૂર્ણ પ્રોજેક્ટો દ્વારા લોકસુવિધા વધારવા અને સુખાકારીસભર બનાવવાની દિશા આપી છે, ત્યારે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં આપણા શહેરોનું વેલપ્લાન્ડ ડેવલપમેન્ટ અને વિકાસની હરોળમાં વૈશ્વિક શહેરોની સમકક્ષ ઉભા રહે તેવું સુગ્રથિત આયોજન થઈ રહ્યું હોવાનું ઉમેર્યું હતું. નોંધનીય છે કે, રૂ. ૮૫ હજાર કરોડની વિવિધ રેલવે પરિયોજના અંતર્ગત વડાધાનશ્રીના હસ્તે ૧૦ વંદે ભારત ટ્રેન અને ૪ વિસ્તારીત વંદે ભારત ટ્રેનો સહિત અન્ય નવી રેલ સેવાઓનો શુભારંભ કરાવવામાં અવ્યો હતો.
તેમજ રેલવે વર્કશોપ અને લોકો શેડ તેમજ પીટ લાઈન્સ/કોચિંગ ડેપો, નવી લાઈન તથા અન્ય પરીયોજનાઓનો ઈ-ભૂમિપૂજન અને ઈ-લોકાર્પણ કર્યા હતા. ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ઓપરેશન કંટ્રોલ સેન્ટર-અમદાવાદ, રેલવે લાઇનનું ડબલિંગ/મલ્ટી-ટ્રેકિંગ અને ગેજ રૂપાંતરણ, અનેક રેલ ખંડોનું વિદ્યુતીકરણ, રેલવે વર્કશોપ તેમજ લોકો શેડ અને પીટ લાઈન્સ/કોચિંગ ડેપો, રેલવે ગુડ્સ-શેડ ગતિશક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલ્સ, ડિજિટલી નિયંત્રિત સ્ટેશન, સ્વચાલિત સિગ્નલિંગ રેલ ખંડ, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર, વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલ સોલર પાવર સ્ટેશન અને ભવન, રેલ કોચ રેસ્ટોરન્ટ વગેરે પરિયોજનાઓનું ઈ-લોકાર્પણ કર્યુ હતુ. આ પ્રસંગે ધારાસભ્યો પ્રવિણભાઈ ઘોઘારી અને અરવિંદભાઈ રાણા, રેલ્વે વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




