લોકસભા ચૂંટણી 2024 કોંગ્રેસ માટે અતિ ભારે સાબિત થઈ રહી છે, કારણકે કોંગ્રેસ પક્ષ છોડવવાળા લોકોમાં વધારો થતો જઈ રહ્યો છે, મધ્યપ્રદેશના ઈન્દોર લોકસભા સીટ પરથી પાર્ટીના ઉમેદવાર અક્ષય કાંતિ બામે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે. માત્ર એટલું જ નહીં કોંગ્રેસ છોડીને અક્ષય કાંતિ ભાજપમાં જોડાઈ ગયા છે. બીજેપીના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ આ જાણકારી આપી છે. કૈલાશ વિજયવર્ગીયએ અક્ષય બમ સાથે સેલ્ફી શેર કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, ઈન્દોરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિ બમ, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ડો. મોહન યાદવ અને પ્રદેશ પ્રમુખ વી.ડી.શર્મા ના નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત છે.
ઈન્દોર લોકસભા સીટ પર ચૂંટણી માટે 25 એપ્રિલ સુધી નામાંકન ભરવામાં આવ્યું હતું. 29મી એપ્રિલે નામાંકન પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. કોંગ્રેસને કોઈ સમાચાર મળે તે પહેલા કૈલાશ વિજયવર્ગીયએ આ ઓપરેશન પાર પાડ્યું હતું. ઈન્દોરમાં લોકસભા ચૂંટણી માટે 13 મેના રોજ મતદાન થશે અને 4 જૂને મતગણતરી પૂર્ણ થશે. મિની મુંબઈ એટલે કે મધ્યપ્રદેશના ઈન્દોરથી કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવાર અક્ષય કાંતિ બામે 24 એપ્રિલના રોજ ઉમેદવારી નોંધાવી હતી. એફિડેવિટમાં બામે પોતાની કુલ સંપત્તિ 57 કરોડ રૂપિયા હોવાનું જાહેર કર્યું હતું. ખાસ વાત એ છે કે કોંગ્રેસના ઉમેદવાર પાસે કાર નથી. તે 14 લાખ રૂપિયાની ઘડિયાળ પહેરે છે. કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બામ પાસે 8.50 કરોડ રૂપિયાની જંગમ અને 46.78 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. વ્યવસાયે બિઝનેસમેન, બામની વાર્ષિક આવક રૂ. 2.63 કરોડ છે. તેની પાસે 41 કિલો ચાંદી અને 275 ગ્રામ સોનું પણ છે.
