સુરતના લાલ દરવાજા વિસ્તારમાં લૂંટની અજીબ ઘટના બની હતી. ચાલુ બાઈક પર જઈ રહેલા એક દંપતી પાસેથી એક ચોરે પર્સ ખેંચવાનો પ્રયાસ કરતા, દંપતી નીચે ઢસડાયુ હતું. પરંતુ વૃદ્ધે બહાદુરીથી ચોરને પકડી પાડ્યો હતો. વૃદ્ધ તેને પકડીને માર મારી રહ્યા હતા, ત્યારે તે મોપેડ મૂકીને ભાગી ગયો હતો. આ ઘટનામાં પત્નીના હાથમાં ફ્રેક્ચર થયું છે. સુરતના રસ્તા પર આ દરમિયાન ઝપાઝપીના ફિલ્મી દૃશ્યો જોવા મળ્યા હતા.
આ તમામ દ્રષ્યો એક CCTV કેમેરામાં કેદ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આ ઘટના બની હતી. મનસુખભાઈ અને વિજયાબેન નામનું એક દંપતી બાઈક પરથી પસાર થઈ રહ્યુ હતું, ત્યારે પાછળથી મોપેડ પર આવેલા એક યુવકે મહિલા પાસેનું પર્સ ચોરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં બને દંપતી બાઈક સાથે નીચે પટકાયા હતા. જોકે, પતિએ ગજબની હિંમત દાખવીને ઘડીના છઠ્ઠા ભાગમાં ચોરને પકડી લીધો હતો.
તેઓએ ચોરને મોપેડ પરથી ઉતારીને માર મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચોર મોપેડ મૂકીને ભાગી છૂટવામાં સફળ નીવડ્યો હતો. પતિએ ચોરને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ભાગી છૂટ્યો હતો. આ ઘટનામાં દંપતીનો માંડ માંડ જીવ બચ્યો હતો, નહિ તો તેઓ અન્ય વાહનોના અડફેટે આવ્યા હોત તો મોટી જાનહાનિ સર્જાઈ હોત. દંપતીને આ ઘટનામાં ગંભીર ઈજાઓ પહોંચી છે. મનસુખભાઈએ સ્નેચરને પકડીને ઢીબી નાખ્યો હતો. આ એક મિનિટના ફિલ્મી દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ઘટનાને લઇ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. મોપેડના માધ્યમથી ચોર કોણ છે તે જાણવાનો પ્રયાસ કરાશે.




